સુરેન્દ્રનગર, 1 એપ્રિલ 2026: Narmada Minor Canal has been dry for 12 years જિલ્લામાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળી રહ્યો છે, મુખ્ય કેનાલ, બ્રાન્ચ કેનાલો, પેટા અને માઈનર કેનાલો દ્વારા ખેડૂતોને સિંચાઈનો લાભ આપવામાં આવી રહ્યો છે. ત્યારે કટુડા-રાજસીતાપુરની માઇનોર કેનાલ બનાવી તેના 12 વર્ષ થયા છતાં માઈનોર કેનાલમાં પાણી અપાયુ નથી. એટલે કે 12 વર્ષથી કેનાલ કોરી છે, અને કેનાલમાં ઝાડી-ઝાંખરા ઉગી ગયા છે. અને કેનાલ જર્જરિત થઈ ગઈ છે. હવે નર્મદા નિગમ દ્વારા રૂપિયા 25 લાખના ખર્ચે કેનાલમાંથી ઝાડી- ઝાંખરા દૂર કરવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ અપાયો છે. પણ કરોડોના ખર્ચે બનેલી કેનાલ તોડી નંખાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગરના કટુડાથી રાજસીતાપુર વચ્ચેની ૩ કિમી લાંબી માઇનોર કેનાલમાં ૨૫ લાખના ખર્ચે બાવળ કટીંગ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલ જ ઉખેડી નાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. ૧૨ વર્ષથી બિનઉપયોગી કેનાલને રીપેરીંગના નામે હવે ફરી ૮૦ લાખનું આંધણ કરવાની તૈયારી છે. જિલ્લામાં નર્મદા વિભાગની કામગીરી સામે ફરી એકવાર મોટા સવાલો ઉભા થયા છે. કટુડા ગામથી રાજસીતાપુર સુધી પસાર થતી ૩ કિમી લાંબી માઇનોર કેનાલ, જે ૧૨ વર્ષ પહેલા ખેડૂતોની કીમતી જમીન સંપાદન કરીને બનાવવામાં આવી હતી, તેને સફાઈના નામે તોડી પાડવામાં આવી હોવાનો ચોંકાવનારો ઘાટ સર્જાયો છે.
નર્મદા વિભાગ દ્વારા આ કેનાલમાં ઉગેલા બાવળ અને ઝાડ દૂર કરવા માટે ૨૫ લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટ એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી. જોકે, કોન્ટ્રાક્ટ એજન્સીએ જેસીબી મશીનો વડે બાવળ કાપવાની લ્હાયમાં આખી કેનાલના સ્ટ્રક્ચરને જ અનેક જગ્યાએથી નુકશાન કર્યું છે. આ કેનાલ બન્યાને ૧૨ વર્ષ વીતી ગયા હોવા છતાં આજદિન સુધી તંત્ર દ્વારા તેમાં એક પણ વખત પાણી છોડવામાં આવ્યું નથી. ખેડૂતોને સિંચાઈનો કોઈ લાભ મળ્યો નથી, ત્યાં હવે બનેલી કેનાલ પણ ખંડેર જેવી હાલતમાં મુકાઈ ગઈ છે. આ મામલે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘તંત્ર દ્વારા કરોડો રૃપિયાના આંધણ કરવામાં આવે છે પણ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ ગંભીર છે. જો આવી તૂટેલી કેનાલમાં પાણી છોડાશે તો ખેડૂતોના ખેતરો ધોવાઈ જવાની ભીતિ છે.’
આ અંગે નર્મદા વિભાગના અધિકારીએ સ્વીકાર્યું હતું કે બાવળ કટીંગમાં કેનાલને નુકસાન થયું છે, અને હવે તેના રીનોવેશન માટે ટૂંક સમયમાં ૮૦ લાખથી વધુનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવશે. આમ, તંત્રની બેદરકારીના કારણે સરકારી નાણાંનો વેડફાટ થતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.


