1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લોકોના સ્વસ્થ આહાર માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જ એક માત્ર ઉપાયઃ રાજ્યપાલ
લોકોના સ્વસ્થ આહાર માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જ એક માત્ર ઉપાયઃ રાજ્યપાલ

લોકોના સ્વસ્થ આહાર માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જ એક માત્ર ઉપાયઃ રાજ્યપાલ

0
Social Share
  • કામધેનુ યુનિવર્સિટીના 11મો દીક્ષાંત સમારોહ યોજાયો
  • રાજ્યપાલના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને 105 મેડલ અર્પણ કરાયા
  • વિદ્યાર્થીઓનું જ્ઞાન ગ્રામ્ય જીવનના વિકાસને નવી દિશા આપશે: રાઘવજી પટેલ

ગાંધીનગરઃ રાજ્યપાલ અને કુલાધિપતિ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ટાઉનહોલ-ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો 11મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં 742 વિદ્યાર્થીઓને પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન શાખાઓના વિવિધ અભ્યાસક્રમોની પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યપાલશ્રીના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને 105 મેડલ પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ અવસરે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આપણે રહેવા માટે મકાનો બનાવીએ છીએ, કેનાલો બનાવીએ છીએ, કારખાનાઓ ઊભા કરીએ છીએ, વિશાળ હૉલ બનાવીએ છીએ, એટલે કે જીવનમાં ઉપયોગી અનેક વસ્તુઓ બનાવીએ છીએ, જેની પાછળનો મુખ્ય હેતુ સુખી રહેવાનો છે. પરંતુ આયુર્વેદ અનુસાર સુખનો આધાર ઉત્તમ સ્વાસ્થ્ય છે. આયુર્વેદમાં કહ્યું છે કે, ધર્મ, અર્થ અને કામ કરતા મોક્ષની પ્રાપ્તિ કરવા માટેનો પહેલો આધાર સ્વસ્થ શરીર છે. એટલે જ કહેવાયું છે કે, પહેલું સુખ નિરોગી કાયા. આથી પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં લોકોને સ્વસ્થ આહાર મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરવામાં આવ્યું છે.

પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક (જૈવિક) ખેતી વચ્ચે જમીન આસમાનનું અંતર છે તેમ જણાવી રાજ્યપાલએ કહ્યું કે, પૂરતી જાણકારીના અભાવે લોકો પ્રાકૃતિક ખેતીને ઓર્ગેનિક ખેતી સમજી બેસે છે. ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન વધતું નથી, ખર્ચ ઘટતો નથી અને મહેનત પણ ઘટતી નથી, જ્યારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો નહીવત ખર્ચે પ્રથમ વર્ષથી જ રાસાયણિક ખેતી જેટલું ઉત્પાદન મેળવી શકાય છે. અને ત્યારબાદ દર વર્ષે ઉત્પાદન વધે છે.

ગુરુકુળ કુરુક્ષેત્રમાં મારી પાસે 400 ગાય છે અને મારી ગાયો દિવસનું એવરેજ 26 લીટર દૂધ આપે છે. આટલું બધું દૂધ ઉત્પાદન નસલ સુધારણાને પરિણામે શક્ય બન્યું છે. જેના માટે સેક્સ સોર્ટેડ સીમનનો ઉપયોગ કરવામાં આવે છે. વિદેશમાં 2200 રૂપિયામાં મળતું સીમન આપણે ત્યાં સ્વદેશી રીતે ફક્ત રૂપિયા 700 માં તૈયાર થાય છે અને રાજ્ય સરકારે તેને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતો અને પશુપાલકોને ફક્ત રૂપિયા 50માં ઉપલબ્ધ કરાવ્યું છે. મારા ગુરુકુલ ફાર્મમાં ગયા વર્ષે 100 ગાયોને સેક્સ સોર્ટેડ સીમન આપ્યું હતું, જેમાંથી 92 વાછડીઓ જન્મી છે.

રાજ્યપાલએ તમામ વિદ્યાર્થીઓને અપીલ કરી કે, આપ જે આજે ડિગ્રીઓ મેળવી છે તો તેને ફક્ત નોકરીનું સાધન ના બનાવતા, પરંતુ તમારું આ જ્ઞાન દેશને કામ આવે. પશુપાલન દ્વારા લોકોનું આરોગ્ય બચાવવું તે ખૂબ જ જવાબદારી ભર્યું કામ છે. તમે લોકો આજે ડિગ્રીઓ મેળવી છે, તો વ્યવહારિક જીવનમાં પણ તેનો ઉપયોગ થવો જોઈએ. મારી પાસે પશુપાલનની કોઈ ડિગ્રી નથી અને પશુ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો નથી, માત્ર નિરીક્ષણ કરીને મેં મારી ગાયોની જાતે જ નસલ સુધારણા કરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા આહવાન કર્યું છે ત્યારે, દરેક વ્યક્તિ પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવે અને જે ક્ષેત્રમાં કામ કરે છે ત્યાં પૂર્ણ સમર્પણથી કામ કરી, દેશની ઉન્નતી અને ભાવિ પેઢીના નિર્માણ માટે કામ કરે તો આપણે નિશ્ચિતપણેથી સફળ થઈશું.

પશુપાલન મંત્રી  રાઘવજી પટેલે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, પદવી પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થી માટે આજનો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રસેવાનો નવતર પ્રારંભ છે. તમારું જ્ઞાન, સંશોધન અને પ્રતિબદ્ધતા ગ્રામ્ય જીવનના વિકાસને નવી દિશા આપશે. ભારતની રૂરલ ઈકોનોમીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વધુ મજબૂત બનાવવામાં તમારા જેવા યુવા ચેન્જમેકર્સની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. આજથી જ તમારા ભવિષ્યનો રોડમેપ “વિકસિત ભારત@૨૦૪૭” અને “સહકાર સે સમૃદ્ધિ” જેવા દ્રષ્ટિગત સંકલ્પોને સાર્થક કરતો હોવો જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code