
નેપાળમાં બનેલી તાજેતરની ઘટના આપણને ફરી એક વાર યાદ અપાવે છે કે ભારતથી અલગ થયેલ તમામ ભૂભાગો આજે વિદેશી તાકાતોના શિકાર બની રહ્યા છે. અસ્થિરતા, આંતરિક સંઘર્ષો અને વિદેશી હસ્તક્ષેપ તેમને વિનાશની દિશામાં ધકેલી રહ્યા છે. આ પ્રદેશના લોકોનો વિદેશી તાકાતો દ્વારા શોષણ થઈ રહ્યો છે અને એક રીતે તેઓ ગુલામી તરફ ધકેલાઈ રહ્યા છે. ઈતિહાસ અને રાજકારણના અનેક મહાનુભાવોના વિચારો આ દિશામાં આપણને વિચારવા મજબૂર કરે છે.
પ્રેસિડેન્ટ ઝિયાઉર રહેમાન (બાંગ્લાદેશ): “બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત, નેપાળ, ભૂતાન, બ્રહ્મદેશ, મલેશિયા અને લંકા સાથે મળીને જો એક સંયુક્ત બજાર બનાવે, તો સૌને લાભ થશે. આપણાં દેશોના લોકોનું જીવનસ્તર ઊંચું લાવી શકીશું.”
પ્રમુખ શ્રી પ્રેમદાસા (શ્રીલંકા): “અમે બધા એક જ મુખ્ય ભારત ભૂમિના અંગ રહ્યા છીએ.”
ગુલામ મુર્તજા સૈયદ (જિયેએ સિંધના પ્રણેતા): “છેલ્લા ૪૦ વર્ષોના ઈતિહાસે સાબિત કર્યું છે કે વિભાજનથી કોઈને લાભ થયો નથી. જો ભારત અખંડિત હોત તો આજે દુનિયાની સૌથી મોટી તાકાત હોત અને શાંતિ સ્થાપનામાં વિશેષ ભૂમિકા ભજવી શક્યો હોત.”
ડૉ. બાબાસાહેબ આંબેડકર: “મને શંકા નથી કે વિભાજન બાદ પણ એક દિવસ એવો આવશે જ્યારે મુસલમાનોને લાગશે કે અવિભક્ત હિન્દુસ્તાન બધાને માટે જરૂરી છે.”
આંબેડકરના બીજા વિચાર આજે પણ માર્ગદર્શન આપે છે. “લોકશાહીમાં પ્રથમ ફરજ એ છે કે સામાજિક અને આર્થિક હેતુ સાધવા માટે બંધારણીય સાધનોનો માર્ગ સ્વીકારવો જોઈએ. અસહકાર, કાયદાનો ભંગ અને સત્યાગ્રહના માર્ગ છોડી દેવા જોઈએ, કારણ કે ગેરબંધારણીય માર્ગ એટલે અંધાધૂંધી.” આમ ભારતવાસીઓએ ડૉ. આંબેડકરના આ વિચારોને સમજીને તેને જીવનમાં ઉતારવા જોઈએ. બંધારણીય માર્ગે, સમજદારી અને વિવેક સાથે દેશને આગળ ધપાવવું એ જ આપણી સાચી જવાબદારી છે.
નેપાળની હાલની સ્થિતિ અને પડોશી પ્રદેશોના ઉદાહરણો આપણને બતાવે છે કે વિભાજન ક્યારેય ઉકેલ નથી. અખંડિતતા, સહકાર અને સંયુક્ત પ્રગતિ જ દક્ષિણ એશિયાના ભવિષ્યનો સાચો માર્ગ છે.