
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણ 1 માર્ચ, 2025નાં રોજ નવી દિલ્હીમાં ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ્સ સર્વિસનાં સ્થાપના દિવસ પ્રસંગે 49માં સિવિલ એકાઉન્ટ્સ ડેનાં રોજ આયોજિત ઉજવણીની અધ્યક્ષતા કરશે.
ઉદઘાટન સત્ર દરમિયાન પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (પીએફએમએસ) પર “ડિજિટલાઇઝેશન ઓફ પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા: ધ ટ્રાન્સફોર્મેટિવ ડિકેડ (2014-24)” શીર્ષક સાથેનો એક સંગ્રહ પણ બહાર પાડવામાં આવશે. કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (સીજીએ)ની સંસ્થા દ્વારા ડિઝાઇન, વિકસિત અને અમલીકૃત પીએફએમએસ સરકારના નાણાકીય વહીવટ માટેનું મુખ્ય આઇટી પ્લેટફોર્મ છે, જેમાં ચુકવણી, પ્રાપ્તિ, એકાઉન્ટિંગ, રોકડ વ્યવસ્થાપન અને નાણાકીય રિપોર્ટિંગ સામેલ છે. પી.એફ.એમ.એસ.એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર્સને કાર્યરત કરવા માટે ડિજિટલ માળખું પૂરું પાડ્યું છે, જે સરકારના મુખ્ય જાહેર ખર્ચ વ્યવસ્થાપન સુધારામાંનું એક છે.
સ્થાપના દિવસની ઉજવણીના બીજા સત્રમાં 16માં નાણાં પંચના અધ્યક્ષ શ્રી અરવિંદ પનગઢિયા “ઇન્ડિયા ઇન ગ્લોબલ ઇકોનોમીઃ ધ નેક્સ્ટ ડિકેડ” વિષય પર મુખ્ય સંબોધન કરશે.
જાહેર નાણાકીય વહીવટમાં નોંધપાત્ર સુધારા બાદ 1976માં ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ્સ સર્વિસ (આઇસીએએસ)ની સ્થાપના કરવામાં આવી હતી. 1 માર્ચ, 1976ના રોજ, ભારતના રાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારના ખાતાઓની જાળવણીને ઓડિટની કામગીરીથી અલગ કરતા વટહુકમો બહાર પાડ્યા હતા, જેના પગલે વિભાગીય હિસાબોની રચના કરવામાં આવી હતી. ત્યારથી કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (સીજીએ)ની આગેવાની હેઠળની આઇસીએએસ નાણાકીય વહીવટમાં મોખરે છે.
આઇસીએએસ 1 માર્ચનાં રોજ 49માં સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન ડેટા-સંચાલિત નિર્ણય લેવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સાથે-સાથે વિસ્તૃત ડિજિટલાઇઝેશન, સુરક્ષિત અને કાર્યદક્ષ નાણાકીય વ્યવસ્થાપનને સુનિશ્ચિત કરીને, વિસ્તૃત ડિજિટલાઇઝેશન મારફતે સેવા પ્રદાનમાં વધારો કરવાની પોતાની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરશે. પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (પીએફએમએસ), જે હવે કેન્દ્ર સરકારના એકાઉન્ટિંગ માટે સંપૂર્ણ બજેટ અને ચુકવણી માટેના તેના બજેટના 65 ટકાનું સંચાલન કરે છે, તે આઇસીએએસ દ્વારા આ દિશામાં લેવામાં આવેલી લીડનો પુરાવો છે.
ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ્સ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓ અને કર્મચારીઓ, ભારત સરકારના સચિવો, નાણાકીય સલાહકારો, ખર્ચ વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મંત્રાલયો / વિભાગો, આઇસીએએસના નિવૃત્ત અધિકારીઓ, બેંકો અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ પણ આ ઉજવણીમાં ભાગ લેશે.