
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પોસ્ટ બજેટ વેબિનારમાં ભાગ લીધો હતો. બજેટ પછીના વેબિનારના પ્લેટફોર્મ પરથી વર્ચ્યુઅલી સભાને સંબોધતા વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘આજે દેશમાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME)ની સંખ્યા વધીને 6 કરોડથી વધુ થઈ ગઈ છે. જેનાથી કરોડો લોકોને રોજગારની તકો મળી છે. 2020માં અમે MSMEની વ્યાખ્યામાં સુધારો કર્યો. આ 14 વર્ષ પછી કરવામાં આવ્યું. આનાથી એ ભય દૂર થયો કે વધતા વ્યવસાય સરકારી લાભો ખાઈ જશે. MSMEને નિરંતર આગળ વધરવામાં આત્મવિશ્વાસ મળે તે માટે બજેટમાં MSMEની પરિભાષાનો વિસ્તાર કરવામાં આવ્યો છે.’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોન વિતરણ માટે નવી પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ‘નવી પદ્ધતિઓ સાથે MSMEને ઓછા ખર્ચે અને સમયસર લોન મળવાની ખાતરી આપી શકાય છે.’ જ્યારે પ્રધાનમંત્રીએ ઉદ્યોગોને MSMEને ટેકો આપવા માટે માર્ગદર્શન કાર્યક્રમો શરૂ કરવા જણાવ્યું હતું. બજેટમાં MSME માટે ક્રેડિટ ગેરંટી કવર 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘આજે 14 ક્ષેત્રોને પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (PLI) યોજનાનો લાભ મળી રહ્યો છે. આ યોજના હેઠળ 7.5 કરોડ યુનિટ મંજૂર કરવામાં આવ્યા છે. આનાથી દેશમાં 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું છે અને 13 લાખ કરોડ રૂપિયાથી વધુનું ઉત્પાદન થયું છે. આ સાથે 5 લાખ કરોડ રૂપિયાથી વધુની નિકાસ થઈ છે.’
ઉત્પાદન ક્ષેત્ર અંગેના પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘આજે વિશ્વનો દરેક દેશ ભારત સાથે પોતાની આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા માંગે છે. તેમણે ઉત્પાદન ક્ષેત્રને આ ભાગીદારીનો મહત્તમ લાભ લેવા માટે આગળ આવવાનો આગ્રહ કર્યો હતો.
પ્રધાનમંત્રીને ભારતની ઉત્પાદન યાત્રામાં સંશોધન અને વિકાસ (R&D)ના મહત્તવપૂર્ણ યોગદાન પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, ‘તેને આગળ વધારવાની અને ઝડપી બનાવવાની જરૂર છે.’ તેમણે સૂચન કર્યું કે, સંશોધન અને વિકાસ દ્વારા આપણે નવીન ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ અને સાથે સાથે ઉત્પાદનોમાં મૂલ્ય પણ ઉમેરી શકીએ છીએ.