1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના ચાંદખેડામાં AMTS બસ સાથે પૂર ઝડપે કાર અથડાતા એકનું મોત
અમદાવાદના ચાંદખેડામાં AMTS બસ સાથે પૂર ઝડપે કાર અથડાતા એકનું મોત

અમદાવાદના ચાંદખેડામાં AMTS બસ સાથે પૂર ઝડપે કાર અથડાતા એકનું મોત

0
Social Share
  • બસ સ્ટેન્ડ પાસે કાર ઊબી હતી ત્યારે પાછળથી કાર ધડાકા સાથે અથડાઈ
  • કારમાં ફસાયેલા બે વ્યક્તિને બહાર કાઢવા કટર સાથે ફાયરના જવાનો દોડી આવ્યા
  • કાર એટલી સ્પીડમાં હતી કે ઊભેલી બસને 10 ફુટ ધકેલી દીધી

અમદાવાદઃ શહેરમાં પૂરફાટ ઝડપે દોડાવાતા વાહનોને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ચાંદખેડા વિસ્તારમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો, શહેરના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે AMTS બસ સ્ટેન્ડ પાસે એક બસ ઉભી હતી. ત્યારે પૂરફાટ ઝડપે આવેલી એક SUV કાર બસ પાછળ ઘૂસી ગઈ હતી. જેના કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ ગોઝારા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. આ અકસ્માત બાદ બસ ડ્રાઇવર નજીકના પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. આ અકસ્માત અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના ચાંદખેડા ગામ બસ સ્ટેન્ડ પાસે આજે સવારના સમયે AMTS બસ અને XUV કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. બસ સ્ટેન્ડ પર AMTS પેસેન્જર લેવા ઊભી હતી તે દરમિયાન પાછળથી તેજ રફતારથી આવેલી XUV કાર બસ પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારચાલક પાસે બેસેલા વિકાસ શુક્લા નામના વ્યક્તિનું મોત નીપજ્યુ હતું, જ્યારે કારચાલક પ્રકાશકુમાર સિંઘ (રહે. ચાંદખેડા) અને બસમાં ચડતા પેસેન્જરો ઈજાગ્રસ્ત થયા હતા. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બસ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ હતી. આ સાથે કારમાંથી એક દારૂની ફૂટેલી બોટલ પણ મળી હોવાનું કહેવાય છે. કારમાં ફસાઈ ગયેલા બે વ્યક્તિઓ પૈકી જીવિત વ્યક્તિને બહાર કાઢવા માટે કટર અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

આ અકસ્માતના બનાવને નજરે જાનારા લોકોના કહેવા મુજબ  કાર એટલી સ્પીડમાં હતી કે બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ અને તેમાં બેઠેલા અને બસમાં ચડતા લોકો પણ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. કારમાં બેસેલા લોકો પહેલી દૃષ્ટિએ મૃત્યુ પામ્યા હોય તેવું લાગતું હતું પરંતુ 108 આવ્યા બાદ એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ અકસ્માતનો ભોગ બનેલી કારમાંથી દારૂની બોટલ ફૂટેલી હાલતમાં મળી છે જે અંગે સ્થાનિક પોલીસ દ્વારા અલગથી કેસ કરાશે. મૃતક અને ઈજાગ્રસ્ત વ્યક્તિના બ્લડ સેમ્પલ લેવામાં આવશે અને જો નશાની હાલતમાં હશે તો એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.  દરમિયાન ફાયરબ્રિગેડ કન્ટ્રોલ રૂમના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાંદખેડા ચાર રસ્તા પાસે બસ અને કાર વચ્ચે અકસ્માત થયો છે.એવો કોલ મળતા ચાંદખેડા અને સાબરમતી ફાયર સ્ટેશનથી ડિવિઝનલ પાર્ક ઓફિસર કૈઝાદસ્તુર અને ઓફિસર સતી ચૌધરી તેમજ ભૂમિત મિસ્ત્રી અને 20 જેટલા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક રેસ્ક્યૂ વાહનો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારે XUV કાર એએમટીએસ બસની પાછળ ઘૂસી ગયેલી જોવા મળી હતી. ડ્રાઇવરને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપ્યો હતો. કારમાં ડ્રાઇવરની બાજુની સીટમાં બેઠેલો વ્યક્તિ બસ અને કારની વચ્ચે ફસાયેલો હતો. જેથી ઇલેક્ટ્રીક કટર, હાઇડ્રોલિક કટર તેમજ સ્પ્રેડર સાથે બસ અને ગાડીનું પતરું કાપવાની શરૂઆત કરવામાં આવી હતી. સાવચેતી પૂર્વક જે વ્યક્તિ ગાડીમાં બેઠો હતો તેને ઇજા ન થાય અને બસની આગળ જ્યાં CNG ગેસનો બાટલો પણ આવેલો છે ત્યાં કોઈ નુકસાન ન થાય તેથી સાવધાનીપૂર્વક ગાડીનું અને બસ બંનેનું પતરું કાપવામાં આવ્યું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે ફસાયેલા વ્યક્તિને કાઢવા માટે ચારે તરફથી પતરા કાપવા પડ્યા હતા. અંદાજે 20 મિનિટ સુધી કામગીરી કર્યા બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે આ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી.

આ અકસ્માતની ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી છે. કારણકે AMTS બસ સીએનજી છે. બસના પાછળના ભાગે સીએનજી ગેસનો બાટલો આવેલો હોય છે ગેસના બાટલા અને ગાડી વચ્ચે એકદમ ઓછું અંતર હતું જો થોડી વધારે ધડાકાભેર અથડાઈ હોત તો કદાચ સીએનજી ગેસના બાટલાના કારણે આગ પણ લાગી ગઈ હોત. બસ અને ગાડીમાં આગ લાગતા જાનહાની થઈ શકત પરંતુ સદનસીબે આ જાનહાની ટળી ગઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code