ઓસ્કાર 2026 : ભારતીય ફિલ્મ ‘મહાવતાર નરસિંહા’ બેસ્ટ એનિમેટેડ ફીચર કેટેગરીમાં શોર્ટલિસ્ટ થઈ
નવી દિલ્હીઃ ઓસ્કાર 2026 માટેની બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ કેટેગરીની એલિજિબલ ફિલ્મોની યાદી જાહેર થઈ ગઈ છે, જેમાં ભારતીય એનિમેટેડ ફિલ્મ ‘મહાવતાર નરસિંહા’ ને સ્થાન મળ્યું છે. એકેડમીએ પોતે ઓફિશિયલ પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, આ ફિલ્મ વિશ્વની અનેક ટોચની એનિમેટેડ ફિલ્મો સાથે કટોકટીનો મુકાબલો કરશે.
ક્લીમ પ્રોડક્શન અને હોંબલે ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવેલી ‘મહાવતાર નરસિંહા’ એ દેશ-વિદેશના બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. હવે આ ફિલ્મે એક વધુ સિદ્ધિ હાંસલ કરી છે. આ ફિલ્મ 98મા એકેડમી અવોર્ડ્સ (ઓસ્કાર 2026) માટે બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ થઇ ગઈ છે.
અશ્વિન કુમાર દિગ્દર્શિત આ ફિલ્મને K-Pop Demon Hunters, Zootopia 2, Demon Slayer: Kimetsu No Yaiba – Infinity Castle સહિતની લોકપ્રિય ફિલ્મો સાથે લિસ્ટ કરવામાં આવી છે. બેસ્ટ એનિમેટેડ ફીચર માટે ક્વોલિફાય કરવા, ફિલ્મની લંબાઈ 40 મિનિટથી વધુ હોવી જરૂરી છે અને તેની 75% રનટાઈમ શુદ્ધ એનિમેશનથી ભરેલી હોવી જોઈએ.
જુલાઈ 2025માં રિલીઝ થયેલી ‘મહાવતાર નરસિંહા’ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ રૂ. 325 કરોડની કમાણી કરીને, આજે સુધીની ભારતીય સૌથી વધુ કમાણી કરનારી એનિમેટેડ ફિલ્મ બની હતી. આ ફિલ્મ મહાવતાર સિનેમેટિક યુનિવર્સનો ભાગ છે, જેમાં કુલ 7 ફિલ્મો રિલીઝ થવાની છે. તેની આગામી ફિલ્મ ‘મહાવતાર પરશુરામ’ 2027માં વૈશ્વિક સ્તરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે પહેલાં, ભારત તરફથી ધર્મા પ્રોડક્શનની ‘હોમબાઉન્ડ’ ને ઓસ્કાર 2026 માટે ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ઑફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી હતી.
98મા એકેડમી અવોર્ડ્સ માટેના નૉમિનેશનની જાહેરાત 22 જાન્યુઆરી, 2026ના રોજ થશે. ઓસ્કાર 2026નો મુખ્ય કાર્યક્રમ 15 માર્ચ, 2026ના રોજ લોસ એન્જેલિસના ડોલ્બી થિયેટર, ઓવેશન હોલિવૂડમાં યોજાશે.


