
સેમિકન્ડક્ટર ક્ષેત્રે અમારી સફર મોડેથી શરૂ થઈ, પરંતુ હવે કોઈ શક્તિ અટકાવી શકશે નહીઃ PM મોદી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું કે ભલે સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે ભારતની સફર થોડી મોડેથી શરૂ થઈ હોય, પરંતુ હવે કોઈ પણ શક્તિ આપણને રોકી શકશે નહીં. વડાપ્રધાન મોદીએ દ્વારકાના યશોભૂમિ ખાતે યોજાયેલા ત્રણ દિવસીય સેમિકોન ઇન્ડિયા 2025ના ઉદ્ઘાટન સત્રને સંબોધન આપતાં જણાવ્યું કે દેશમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવાની દિશામાં ઝડપી કામ થઈ રહ્યું છે.
તેમણે જણાવ્યું કે વર્ષ 2021માં સેમિકોન ઇન્ડિયાની શરૂઆત થઈ હતી અને 2023માં પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી મળી હતી. 2024માં વધુ પ્લાન્ટોને મંજૂરી આપવામાં આવી અને 2025માં પાંચ નવી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. કુલ 10 યોજનાઓમાં 18 અબજ ડોલરનું રોકાણ થઈ રહ્યું છે.
મોદીએ જણાવ્યું, “ભારત હવે બેકએન્ડથી આગળ વધી સંપૂર્ણ શક્તિશાળી સેમિકન્ડક્ટર રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ભલે અમારી સફર મોડેથી શરૂ થઈ હોય, પરંતુ હવે કોઈ પણ શક્તિ આપણને અટકાવી શકશે નહીં.”
તેમણે જણાવ્યું કે ટાટા અને માઈક્રોને ટેસ્ટ ચિપનું ઉત્પાદન શરૂ કર્યું છે અને આ વર્ષે જ પ્રથમ કોમર્શિયલ ચિપ બજારમાં આવશે. વડાપ્રધાન મોદીએ દેશી તેમજ વિદેશી કંપનીઓને આ ક્ષેત્રમાં રોકાણ કરવા આહ્વાન કર્યું અને વિશ્વાસ આપ્યો કે સરકારની નીતિ “ટૂંકાગાળાના સંકેત નહીં, પરંતુ દીર્ઘકાલીન પ્રતિબદ્ધતા” પર આધારિત છે.
તેમણે કહ્યું, “તમારી દરેક જરૂરિયાત અમે પૂર્ણ કરીશું. તે દિવસ દૂર નથી જ્યારે દુનિયા કહેશે કે, ડિઝાઇન ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા.” તેમણે ઉમેર્યું કે વિશ્વમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન કરનારી પ્રતિભાઓમાં 20 ટકા ભારતીય છે. વડાપ્રધાને દેશના નવોચારો અને સ્ટાર્ટઅપ કંપનીઓને આગળ આવવા અપીલ કરી, તેમજ વિશ્વાસ આપ્યો કે સરકાર તેમની સાથે ખભે ખભો મિલાવીને ચાલશે.