
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીનાં વેબિનારને સંબોધન કર્યું હતું. બજેટ પછી વેબિનારમાં ભાગીદારીના મહત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં જોડાવા બદલ તમામનો આભાર માન્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ સરકારની ત્રીજી ટર્મનું પ્રથમ પૂર્ણ બજેટ છે. જેમાં નીતિઓમાં સાતત્યતા અને વિકસિત ભારત માટે વિઝનના નવા વિસ્તરણને દર્શાવવામાં આવ્યું છે. તેમણે બજેટ અગાઉ તમામ હિતધારકો પાસેથી મૂલ્યવાન ઇનપુટ્સ અને સૂચનોનો સ્વીકાર કર્યો હતો, જે ખૂબ જ મદદરૂપ થયા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ બજેટને વધુ અસરકારક બનાવવામાં હોદ્દેદારોની ભૂમિકા વધુ નિર્ણાયક બની છે.
મોદીએ જણાવ્યું હતું કે, “વિકસિત ભારતનાં લક્ષ્યાંક પ્રત્યેનો અમારો સંકલ્પ ખૂબ જ સ્પષ્ટ છે અને સંયુક્તપણે આપણે એક એવા ભારતનું નિર્માણ કરી રહ્યાં છીએ, જ્યાં ખેડૂતો સમૃદ્ધ અને સશક્ત હોય.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ ખેડૂત પાછળ ન રહી જાય અને દરેક ખેડૂતને આગળ ન લઈ જાય એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે કૃષિને વિકાસનું પ્રથમ એન્જિન માનવામાં આવે છે, જે ખેડૂતોને ગૌરવનું સ્થાન આપે છે. તેમણે જણાવ્યું હતું કે, “ભારત એક સાથે બે મુખ્ય લક્ષ્યાંકો તરફ કામ કરી રહ્યું છેઃ કૃષિ ક્ષેત્રનો વિકાસ અને ગામડાઓની સમૃદ્ધિ.”
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, છ વર્ષ અગાઉ લાગુ થયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાએ ખેડૂતોને આશરે રૂ 3.75 લાખ કરોડની સહાય કરી છે અને આ રકમ 11 કરોડ ખેડૂતોનાં ખાતામાં સીધી હસ્તાંતરિત કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વાર્ષિક રૂ.6,000ની નાણાકીય સહાયથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ યોજનાનો લાભ સમગ્ર દેશનાં ખેડૂતો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા માટે ખેડૂત-કેન્દ્રિત ડિજિટલ માળખું ઊભું કરવામાં આવ્યું છે. જેથી વચેટિયાઓ કે લીકેજ માટેનાં કોઈ પણ અવકાશને દૂર કરી શકાય. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ પ્રકારની યોજનાઓની સફળતા નિષ્ણાતો અને સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિઓનાં સાથસહકારથી શક્ય છે. તેમણે તેમનાં યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, કોઈ પણ યોજનાનો અમલ તેમની મદદથી સંપૂર્ણ તાકાત અને પારદર્શકતા સાથે થઈ શકે છે. તેમણે તેમનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે, સરકાર હવે આ વર્ષનાં અંદાજપત્રમાં થયેલી જાહેરાતોનો અમલ કરવા ઝડપથી કામ કરી રહી છે, જેથી તેઓ સતત સહકાર ઇચ્છતાં રહ્યાં છે.
ભારતનું કૃષિ ઉત્પાદન વિક્રમજનક સ્તરે પહોંચ્યું છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 10-11 વર્ષ અગાઉ કૃષિ ઉત્પાદન આશરે 26.5 કરોડ ટન હતું, જે હવે વધીને 330 મિલિયન ટન થયું છે. એ જ રીતે, બાગાયતી ઉત્પાદન 350 મિલિયન ટનને વટાવી ગયું છે. તેમણે આ સફળતાનો શ્રેય બિયારણથી બજાર, કૃષિ સુધારા, ખેડૂત સશક્તિકરણ અને મજબૂત મૂલ્ય શ્રૃંખલા સુધીના સરકારના અભિગમને આપ્યો હતો. શ્રી મોદીએ દેશની કૃષિ સંભવિતતાનો સંપૂર્ણ ઉપયોગ કરવાની અને વધુ મોટા લક્ષ્યાંકો હાંસલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ દિશામાં અંદાજપત્રમાં પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 100 સૌથી ઓછા ઉત્પાદક કૃષિ જિલ્લાઓનાં વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ વિકાસનાં વિવિધ માપદંડો પર, જોડાણ, સમન્વય અને સ્વસ્થ સ્પર્ધાથી લાભ મેળવવા, મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓનાં કાર્યક્રમનાં સકારાત્મક પરિણામોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દરેકને આ જિલ્લાઓમાંથી પ્રાપ્ત થયેલા પરિણામોનો અભ્યાસ કરવા અને પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને આગળ વધારવા માટેનાં બોધપાઠનો ઉપયોગ કરવા અપીલ કરી હતી, જે આ 100 જિલ્લાઓમાં ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ થશે.
પીએમ મોદીએ નોંધ્યું હતું કે, અત્યારે લોકોમાં પોષણ વિશે જાગૃતિ વધી રહી છે અને તેમણે ભારમૂક્યો હતો કે, વધતી જતી માગને પહોંચી વળવા બાગાયત, ડેરી અને મત્સ્યપાલનનાં ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર રોકાણ કરવામાં આવ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ફળો અને શાકભાજીના ઉત્પાદનને વેગ આપવા વિવિધ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે તથા બિહારમાં મખાના બોર્ડની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે તમામ હિતધારકોને વિવિધ પોષકતત્વો ધરાવતા ખાદ્યપદાર્થોને પ્રોત્સાહન આપવા નવી રીતો શોધવા, દેશના દરેક ખૂણે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની પહોંચ સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.