ગાંધીનગર, 22 ઓગસ્ટ, 2026 : Pavagadh, Ambaji, and Girnar ropeways દેશ-વિદેશના પ્રવાસીઓ- યાત્રાળુઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર રહ્યું છે. રાજ્યમાં ગિરનાર,પાવાગઢ અને અંબાજી ખાતે પવિત્ર પર્વત પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૪૭.૩૨ લાખથી વધુ યાત્રાળુઓએ સલામત રીતે ઉડન ખટોલાનો આસ્થા સાથે આંનદ પણ માણ્યો છે.જેમાં પંચમહાલના પાવાગઢમાં ૨૩.૪૩ લાખથી વધુ પ્રવાસીઓએ, બનાસકાંઠાના અંબાજી રોપ-વેનો ૧૫.૫૮ લાખથી વધુ તેમજ જૂનાગઢના ગિરનારમાં ૮.૩૧ લાખથી વધુ એમ કુલ ૪૭.૩૨ લાખથી વધુ ભાઈઓ-બહેનો, બાળકો,વડીલો તથા દિવ્યાંગ યાત્રાળુઓએ રોપ-વેની સેવાનો લાભ લીધો છે જે ગુજરાતના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની લોકપ્રિયતા દર્શાવે છે. આ યાત્રાળુઓના આગમનથી આ વિસ્તારના યુવાઓને સારા પ્રમાણમાં રોજગારી પણ ઉપલબ્ધ થઇ રહી છે.
ગુજરાતના ઐતિહાસિક શહેર જૂનાગઢમાં આવેલો ગિરનાર રોપ-વે એન્જિનિયરિંગનો એક અસાધારણ પરાક્રમ સાથે જ આધ્યાત્મિકતા અને કુદરતી વૈભવનો પ્રવેશ દ્વાર છે. ૨.૧૨ કિલોમીટર લાંબો આ રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક છે, જે ગિરનાર પર્વતોની જમીનથી ૩,૬૬૦ ફૂટની ઊંચાઈએ આવેલા પવિત્ર એવા અંબાજી માતાના મંદિર સાથે જોડે છે.
ઉલ્લેખનીય છે કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર ૨૦૨૦માં ગિરનાર રોપ-વેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અત્યારે સુધીમાં લાખ્ખો મુલાકાતીઓ – યાત્રાળુઓએ રોપ-વેની આ સેવાનો આનંદ માણી સલામત,અનુકૂળ અને અવિસ્મરણીય મુસાફરીનો અનુભવ કર્યો છે. આ રોપ-વેના ૩૧ આધુનિક કેબિન પ્રતિ કલાક ૧,૦૦૦ મુસાફરોનું પરિવહન કરે છે,જેમાં ૦૯ મિનિટની આ આકર્ષક રાઈડ ભવ્ય ગિરનાર પર્વતોના મનોહર દૃશ્યો દર્શાવે છે.
ગિરનાર પર્વતો અનેક પવિત્ર મંદિરોનું નિવાસસ્થાન છે. જેમાં ગુરુ દત્તાત્રેય મંદિર, અંબાજી મંદિર,ગોરખનાથ મંદિર અને ઐતિહાસિક જૈન મંદિરોનો સમાવેશ થાય છે. રોપ-વે પાયાથી ૫,૦૦૦ પગથિયાં ઉપર સ્થિતમાં અંબાજી મંદિર સુધી યાત્રાળુઓને સરળતાથી પહોંચવાની સુવિધા આપે છે. જેનાથી મુશ્કેલ ચઢાણની દુવિધા દૂર થાય છે અને તે યાત્રાળુઓ અને પ્રવાસીઓ બંને માટે એક આદર્શ પસંદગી બન્યું છે. ચોમાસાની ઋતુમાં મુલાકાતીઓ ગિરનારના પર્વતો પર ફરવાનો વધારે આનંદ માણે છે,જ્યાં વાદળો પરિભ્રમણ કરે છે અને પ્રકૃતિનું મનોહર સૌંદર્ય જોવા મળે છે.


