
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 20 દિવસ કે તેથી વધુ સમયથી તણાવ પ્રવર્તી રહ્યો છે. આ તણાવ તાજેતરમાં સંઘર્ષમાં ફેરવાઈ ગયો હતો. લગભગ 4 દિવસ સુધી ચાલેલા સંઘર્ષ બાદ, બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી. બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શાંતિ અંગે મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાની પીએમએ કહ્યું કે, તેઓ ભારત સાથે શાંતિ વાટાઘાટો કરવા તૈયાર છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે વાતચીતની ઓફર કરી અને કહ્યું કે તેમનો દેશ “શાંતિ માટે” વાટાઘાટો કરવા તૈયાર છે. શાહબાઝે પંજાબ પ્રાંતના કામરા એર બેઝની મુલાકાત દરમિયાન આ વાત કહી હતી. અહીં તેમણે ભારત સાથેની તાજેતરની લશ્કરી અથડામણમાં સામેલ અધિકારીઓ અને સૈનિકો સાથે વાતચીત કરી હતી.
શાહબાઝ શરીફે કહ્યું કે અમે શાંતિ માટે તેમની (ભારત) સાથે વાત કરવા તૈયાર છીએ. શાહબાઝે કહ્યું કે ‘શાંતિ માટેની શરતો’માં કાશ્મીર મુદ્દો પણ શામેલ છે. ભારત હંમેશા આગ્રહ રાખે છે કે જમ્મુ અને કાશ્મીરનો કેન્દ્રશાસિત પ્રદેશ અને લદ્દાખનો કેન્દ્રશાસિત પ્રદેશ તેના અભિન્ન અને અવિભાજ્ય ભાગો છે અને હંમેશા રહેશે. શાહબાઝની સાથે નાયબ વડા પ્રધાન ઇશાક દાર, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ, આર્મી ચીફ જનરલ અસીમ મુનીર, વાયુસેનાના વડા એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર સિદ્ધુ પણ એરબેઝ પર હાજર હતા.
22 એપ્રિલના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં, આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. આ આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. આ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણી મોટી કાર્યવાહી કરી હતી. આમાં, સિંધુ જળ સંધિ સ્થગિત કરવામાં આવી હતી અને પાકિસ્તાન સાથેના તમામ રાજદ્વારી સંબંધોનો અંત લાવવામાં આવ્યો હતો. આ સાથે, ભારતમાં હાજર તમામ પાકિસ્તાનીઓને દેશ છોડી દેવાનું કહેવામાં આવ્યું.