
સરહદ ઉપર પાકિસ્તાનનો સતત ગોળીબાર, ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની ચોકીઓ નષ્ટ કરી
નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે, તેમજ પાકિસ્તાન દ્વારા સરહદ ઉપર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં ભારતે ઓપરેશન સિંદુર હાથ ધરીને નવ સ્થળો ઉપર આતંકવાદી અડ્ડા ઉપર હુમલો કરીને નાશ કર્યા બાદ પાકિસ્તાને સરહદ ઉપર મોટા હથિયારો વડે હુમલા શરૂ કર્યાં હતા. ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપવામાં આવી રહ્યો છે. સેનાની જવાબી કાર્યવાહીમાં ડઝનબંધ પાકિસ્તાની ચોકીઓનો નાશ કરવામાં આવ્યો છે.
તણાવને ધ્યાનમાં રાખીને, જમ્મુ વિભાગના પાંચ જિલ્લાઓ અને કાશ્મીર વિભાગના ત્રણ જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી. સાવચેતીના પગલા તરીકે જમ્મુ, શ્રીનગર અને લેહથી હવાઈ સેવાઓ બંધ રાખવામાં આવી હતી. કટરામાં હેલિકોપ્ટર સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. તમામ સરકારી વિભાગોમાં અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.
જે રીતે ભારતીય સૈનિકોએ આતંકને કચડી નાખ્યો, તે જોઈને આતંકવાદીઓને પોષતી પાકિસ્તાની સેનામાં ખળભળાટ મચી ગયો છે. ગભરાટના માહોલમાં, તેઓએ પૂંછ જિલ્લાના અનેક સરહદી ગામોને નિશાન બનાવ્યા છે. બાલાકોટ, મેંધાર, માનકોટ, કૃષ્ણા ઘાટી, ગુલપુર, કેર્ની જેવા નિયંત્રણ રેખા પાસેના વિસ્તારો અને પૂંછ જિલ્લા મુખ્યાલય પર પણ તોપમારો કરવામાં આવ્યો હતો. આનાથી ડઝનબંધ ઘરો અને વાહનોને નુકસાન થયું હતું. પાકિસ્તાને મંદિરો, ગુરુદ્વારા અને મસ્જિદો પર પણ ગોળીબાર કર્યો હતો.
બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં સરહદ પારથી થયેલા ગોળીબારમાં પાંચ બાળકો સહિત દસ લોકો ઘાયલ થયા છે. જ્યારે, પાકિસ્તાને રાજૌરી જિલ્લાના થાંડિકાસી, ઇરા દા ખેત્રા, ગંભીર બ્રાહ્મણ વગેરે ગામોમાં ગોળીબાર કર્યો. ચાર લોકો ઘાયલ થયા છે. પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક સ્થિત ગુરુદ્વારા સાહિબને પાકિસ્તાન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. ચાર લોકોએ જીવ ગુમાવ્યા. પૂંછ બસ સ્ટેન્ડ પર પણ ગોળીબાર થયો હતો, જેમાં અનેક વાહનોને નુકસાન થયું હતું.