હિંમતનગર, 30 માર્ચ 2026: Passengers will have to climb 30 steps to reach the Wadali railway station. હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની આશરે 55 કિલોમીટર લાંબી રેલવે લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર કાર્ય પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ખેડબ્રહ્મા-અમદાવાદ ટ્રેનનું ઈ-લોકાર્પણ કરશે. આ માટે વહીવટી તંત્ર અને રેલવે વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ટ્રેન સુવિધાથી પ્રવાસીઓને લાભ થશે. જોકે રેલવે સ્ટેશનો પર ઊંચા પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે જેમાં વડાલી રેલવે સ્ટેશન જવા માટે પ્રવાસીઓને 30 પગથિયા ચડવા પડશે. તેથી વૃદ્ધ પ્રવાસીઓને લગેજ સાથે 30 પગથિયા ચડવા મુશ્કેલ બનશે.
હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગમાં ફાટકમુક્ત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે અનેક સ્થળોએ અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે. જેના કારણે રેલવે ટ્રેકની ઊંચાઈ જમીન સ્તર કરતાં નોંધપાત્ર રીતે વધારી દેવામાં આવી છે, જેના પરિણામે પ્લેટફોર્મ પણ ઊંચા બનાવવામાં આવ્યા છે. આ ઊંચાઈને કારણે વડાલી સ્ટેશન પર પ્રવાસીઓને પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે અંદાજે 30 જેટલા પગથિયાં ચઢવા પડશે. જેથી સિનિયર સિટિઝનો, ઢીંચણના દુખાવાથી પીડાતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડશે. ઉપરાંત, ભારે લગેજ સાથે પ્રવાસ કરતા લોકોને પણ પ્લેટફોર્મ સુધી પહોંચવામાં શારીરિક તકલીફોનો સામનો કરવો પડશે, રેલવે સ્ટેશનની ડિઝાઇનને લઈને સ્થાનિક નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પ્રવાસીઓની સુવિધા માટે સ્ટેશનો પર લિફ્ટ અને એસ્કેલેટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. આનાથી તમામ વર્ગના લોકો માટે રેલવે સેવા વધુ સુલભ બની શકશે. પશ્ચિમ રેલવેની સલાહકાર સમિતિના સભ્ય મોહનભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રવાસીઓના લગેજને સરળતાથી પ્લેટફોર્મ સુધી પહોંચાડવા માટે લિફ્ટની વ્યવસ્થા કરવા અંગે મિટિંગમાં રજૂઆત કરવામાં આવી છે. વૃદ્ધો માટે રેમ્પની વ્યવસ્થા કરવાની પણ માગણી કરવામાં આવી છે.


