
પાટણ શહેરમાં નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ઠેર ઠેર ગરબા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે શહેરના જીવદયા પ્રેમી યુવાનો દ્વારા એક પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે. પાટણ-ઊંઝા હાઈવે પર આવેલા ખોડાભા હોલ ખાતે આ વર્ષે ગરબાની આવકમાંથી અબોલ પશુઓ માટે શેલ્ટર હોમ બનાવવાના ઉમદા હેતુથી ‘હેરિટેજ ગરબા-2025’ નું આયોજન કરવામાં આવ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષથી આ યુવાનો ગરબાની આવકનો ઉપયોગ અબોલ પશુઓની સેવામાં કરી રહ્યા છે. ગત વર્ષે ગરબાની રકમમાંથી પશુઓ માટે એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી હતી અને આ વર્ષે શહેરનું પ્રથમ પશુ શેલ્ટર હોમ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ ભગીરથ કાર્યને સિદ્ધ કરવા માટે આયોજકોએ ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતી અનોખી હેરિટેજ થીમ પર ગરબા ક્લબનો શણગાર કર્યો છે. પરંપરાગત પહેરવેશમાં આવનાર ખેલૈયાઓને જ ગરબા રમવા દેવામાં આવશે, જેથી આપણી સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહે.
આયોજક ચિરાગ પટેલે જણાવ્યું કે, “આ ગરબા મહોત્સવમાંથી જે આવક થશે, તે સંપૂર્ણપણે જીવદયાના કામોમાં વાપરવામાં આવશે. અમે અગાઉ પશુ એમ્બ્યુલન્સ લાવ્યા હતા અને આ વર્ષે પશુઓ માટે આશ્રયસ્થાન બનાવવા જઈ રહ્યા છીએ.”
ખેલૈયાઓની સુરક્ષા અને સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ગરબા ક્લબમાં સ્પેશિયલ મેડિકલ કેમ્પ, આઈસીયુ વાન અને ડોક્ટરોની ટીમ પણ ઉપલબ્ધ રહેશે. નવરાત્રીના પ્રારંભ પૂર્વે ગત રાત્રે સૌરાષ્ટ્રના ત્રણ કલાકારો દ્વારા શક્તિ વંદના સાથે બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણના જીવદયા પ્રેમી યુવાનો દ્વારા આયોજિત આ ‘હેરિટેજ ગરબા’ માત્ર મનોરંજનનું માધ્યમ જ નહીં, પરંતુ અબોલ જીવો પ્રત્યેની કરુણા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.