
પીએમ મોદીએ સ્વદેશી બીએસએનએલ 4જી નેટવર્ક લોન્ચ કર્યું, સરહદી વિસ્તારમાં દોડશે ઈન્ટરનેટ
ઝારસુગુડાઃ ભારતમાં ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના સ્વદેશી 4G નેટવર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે ભારત હવે તે દેશોની યાદીમાં સામેલ થયો છે, જે સ્વદેશી ટેલિકોમ ઉપકરણો બનાવે છે. BSNLની રજત જયંતી નિમિત્તે વડા પ્રધાન મોદીએ 97,500 કરતાં વધુ 4G મોબાઇલ ટાવરોનું પણ ઉદ્ઘાટન કર્યું, જેમાંથી 92,600 ટાવરો BSNLની 4G ટેકનોલોજીથી સજ્જ છે. આ ટાવરોનું નિર્માણ લગભગ 37,000 કરોડ રૂપિયાની ખર્ચે સ્વદેશી ટેકનોલોજીથી કરવામાં આવ્યું છે.
સ્વદેશી 4G નેટવર્કની શરૂઆત સાથે ભારત ડેનમાર્ક, સ્વીડન, દક્ષિણ કોરિયા અને ચીન જેવા દેશોની શ્રેણીમાં સામેલ થયો છે, જે દેશો સ્વદેશી ટેલિકોમ ઉપકરણો બનાવે છે. એક અધિકારે જણાવ્યું કે ભારતની આ સિસ્ટમ ક્લાઉડ-આધારિત, ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે અને તેને સરળતાથી 5Gમાં અપગ્રેડ કરી શકાય છે. સ્વદેશી 4G નેટવર્ક પ્રારંભ ‘ડિજિટલ ઈન્ડિયા’ મિશનના દૃષ્ટિકોણ સાથે સંકળાયેલ છે. આથી ગ્રામ્ય સમુદાય સશક્ત બનશે અને BSNLના 5G નેટવર્કની શરૂઆત તથા એકીકરણ માટે માર્ગ ખુલશે. 26,700 થી વધુ દૂરના, સીમાંત અને વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોના ગામડાઓ હવે કનેક્ટ થશે, જેમાં ઓડિશાના 2,472 ગામડાઓ પણ સામેલ છે. આ નવા ટાવરો સોલાર ઉર્જાથી ચાલે છે, જે ભારતના સૌથી મોટા હરિત ટેલિકોમ કેન્દ્રોના જૂથને સર્જે છે. વડા પ્રધાન મોદીએ ડિજિટલ ઈન્ડિયા ફંડ દ્વારા દેશના 100% 4G સેચ્યુરેટેડ નેટવર્કનું પણ ઉદ્ઘાટન કર્યું, જેમાં મિશન મોડ પ્રોજેક્ટ હેઠળ 29,000–30,000 ગામડાઓ જોડાયા છે. આ પ્રારંભ સાથે 20 લાખથી વધુ નવા ગ્રાહકોને સેવાઓ ઉપલબ્ધ થશે.