1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં 4 કિલો ગાંજા સાથે રિક્ષાચાલક અને મહિલાની પોલીસે કરી ધરપકડ
રાજકોટમાં 4 કિલો ગાંજા સાથે રિક્ષાચાલક અને મહિલાની પોલીસે કરી ધરપકડ

રાજકોટમાં 4 કિલો ગાંજા સાથે રિક્ષાચાલક અને મહિલાની પોલીસે કરી ધરપકડ

0
Social Share
  • એસઓજી ટીમે બાતમીને આધારે કોઠારિયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી
  • રિક્ષાને અટકાવતા 4 કિલો ગાંજો મળી આવ્યો
  • મહિલા અગાઉ પણ NDPS એક્ટ હેઠળના ગુનામાં પકડાઈ હતી

રાજકોટઃ શહેરમાં ગાંજા સહિત ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. ત્યારે પોલીસ દ્વારા ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના વેપાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ‘SAY NO TO DRUGS’ મિશન અંતર્ગત રાજકોટમાં માદક પદાર્થોના વેચાણને અટકાવવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે કોઠારીયા ચોકડી પાસે વોચ ગોઠવીને ગાંજાના જથ્થા સાથે એક રિક્ષાચાલક પુરુષ અને એક ગુનાહિત ઇતિહાસ ધરાવતી મહિલાને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 4 કિલોથી વધારે ગાંજો સહિત રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેર SOG શાખાની ટીમ તેના પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કેટલાક શખસો ગાંજાના જથ્થા સાથે હેરફેર કરી રહ્યા છે. આ બાતમીના આધારે તા. 14/12/2025ના રોજ કોઠારીયા ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતી સર્વિસ રોડ પર ખોડિયાર ટેકરીની સામે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા એક પુરુષ અને મહિલાની તપાસ કરતા તેમની પાસેથી માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 40 વર્ષીય આરોપી મુસ્તાકભાઇ હબીબભાઇ નાકાણી (રહે. કોઠારીયા સોલવન્ટ) અને 30 વર્ષીય કરીનબેન ઉર્ફે ફરીદાબેન કરીમભાઇ શાહમદાર (રહે. કોઠારીયા સોલવન્ટ)ની ધરપકડ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મુસ્તાકભાઇ રિક્ષા ડ્રાઇવીંગનો વ્યવસાય કરે છે, જ્યારે કરીનબેન કપડાના લે-વેચના વેપાર સાથે સંકળાયેલા છે. ખાસ વાત એ છે કે, આરોપી કરીનબેન અગાઉ પણ રાજકોટ ગ્રામ્યના શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલા હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે આ દરોડા દરમિયાન કુલ રૂ. 2,11,250 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 4.025 કિલોગ્રામ ગાંજો જેની કિંમત રૂ. 2,01,250 થાય છે, તે ઉપરાંત રૂ. 5,000 ની કિંમતનો એક વીવો કંપનીનો મોબાઈલ અને રૂ. 5,000 ની કિંમતનો એક રેડમી કંપનીનો મોબાઈલ ફોન તથા અન્ય વસ્તુઓ કબજે લેવામાં આવી છે. આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ ગાંજાનો જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાનો હતો. તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code