અમદાવાદઃ શહેરના પોશ મનાતા શિલજમાં ફરી એકવાર રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે. બોપલ પોલીસે એક ફાર્મ હાઉસ પર દરોડો પાડી દારૂ અને હુક્કા સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરી દરમિયાન 6 મહિલાઓ સહિત 20 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં મોટા ભાગના લોકો વિદેશી નાગરિકો (NRI વિદ્યાર્થી) હોવાનું બહાર આવ્યું છે.
પોલીસને બાતમી મળી હતી કે, શિલજ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી ચાલી રહી છે. બાતમીના આધારે બોપલ પોલીસે મધરાતે દરોડો પાડતાં વિદેશી નાગરિકો દારૂની મજા માણતા ઝડપાયા. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, બીયરના ટીન અને હુક્કા સેટ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ફાર્મ હાઉસના માલિક મિલન પટેલ છે, જેની પણ ધરપકડ કરવામાં આવી છે. જ્હોન નામના વિદેશી વિદ્યાર્થીએ ‘આફ્રો ડાન્સ નાઈટ’ નામથી આ પાર્ટીનું આયોજન કર્યુ હતું.
બોપલ પોલીસના જણાવ્યા મુજબ, આ પાર્ટી માટે ખાસ એન્ટ્રી પાસ તૈયાર કરાયા હતા, જેમાં “અનલિમિટેડ ડ્રિંક્સ”નો ઉલ્લેખ પણ હતો. પાસનો ભાવ રૂ. 700 થી રૂ. 2,500 વચ્ચે રાખવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કેન્યા અને મોંગોલિયા દેશના વિદ્યાર્થીઓને પણ પકડ્યાં હોવાનું જાણવા મળે છે.
માહિતી મુજબ, પાર્ટીમાં બે ભારતીય નાગરિકો અને 18 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. આમાંથી જેમણે દારૂનું સેવન નથી કર્યુ, તેમની સામે ગુનો નોંધાયો નથી. પરંતુ જેમણે નશો કર્યો હતો, તેમના મેડિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ પાર્ટીમાં શહેરના કેટલાક મોટા માથા પણ જોડાયેલા હોવાની શક્યતા છે.


