
- મિયાગામ ચોકડી સુધી આરસીસી રોડ અઢી વર્ષ પહેલાં બનાવાયો હતો,
- રોડ પર કપચી ઉખડી જતા વાહનચાલકોને મુશ્કેલી,
- ગાબડા પડતા કોન્ટ્રાક્ટરે સિમેન્ટ-રેતીનો માલ નાખી સમારકામ હાથ ધર્યું,
વડોદરાઃ જિલ્લાના કરજણ તાલુકા પંચાયત કચેરીથી મિયાગામ ચોકડી સુધીના રોડ પર લીલાગીરી સોસાયટીથી મિયાગામ ચોકડી સુધી આરસીસી રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. અઢી વર્ષ પહેલા જ બનેલા આરસીસી રોડ પર કપચીઓ ઉખડવા માંડી હતી અને ઘણી જગ્યાએ ખાડાઓ પડી જતા વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ અંગેની ફરિયાદો ઊઠતા રોડ કોન્ટ્રાક્ટર દ્વારા લીપાપોથી કરવામાં આવી છે અને સિમેન્ટ અને રેતીનો માલ નાખી સમાર કામ કરાઈ રહ્યું છે. અઢી વર્ષમાં આરસીસી રોડ જર્જરિત બની ગયો છે.
કરજણ તાલુકા પંચાયત કચેરીથી મિયાગામ ચોકડી સુધીના રોડ પર લીલાગીરી સોસાયટીથી મિયાગામ ચોકડી સુધી આરસીસી રોડ બનાવવામાં આવેલો છે. આ આરસીસી રોડ અઢીવર્ષ પહેલા જ બનાવાયો છે. પરંતુ રોડ પરથી કપચીઓ ઉખડવા લાગી છે. અને ઘણી જગ્યાએ રોડ પર ગાબડા પડી જવા પામ્યા હતા.જેને લઇને કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે રોડની બંને બાજુએ રેતી અને સિમેન્ટનો માલ ભરી ખાડાઓમાં પૂરવામાં આવ્યા છે. એના પર સિમેન્ટનો ડુગો રેડી દેવામાં આવ્યો છે. આમ અઢીવર્ષ પહેલા જ બનેલા આરસીસી રોડ પર ખાડા પડતા તેમજ કપચી ઉખડતા કોન્ટ્રાક્ટર દ્વારા લીપાપોથી કરીને રોડનું સમારકામ હાથ ધરાયું છે.