1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના લોકમેળામાં રાઈડ્સની એસઓપીમાં છૂટછાટની સત્તા કલેકટરને હવાલે
રાજકોટના લોકમેળામાં રાઈડ્સની એસઓપીમાં છૂટછાટની સત્તા કલેકટરને હવાલે

રાજકોટના લોકમેળામાં રાઈડ્સની એસઓપીમાં છૂટછાટની સત્તા કલેકટરને હવાલે

0
Social Share
  • રાજકીય દબાણ થતાં લોકમેળામાં રાઈડ્સ માટેનો માર્ગ ખુલ્યો,
  • ટેમ્પરરી લાયસન્સ મંજુરની સમય મર્યાદા 60 દિ’થી ઘટાડીને 30 દિવસ કરાઈ,
  • રાઈડ્સ સેફટી ઈન્સ્પેકશન માટે સ્થાનિક ઈજનેરોના સમાવેશની છુટ્ટ

રાજકોટઃ શહેરમાં જન્માષ્ટમીના પર્વ પર રેસકોર્સના મેદાનમાં 5 દિવસનો લોકમેળો યોજાય છે. આ લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાય છે. લાખો લોકો મેળાની મોજ માણવા ઉમટી પડતા હોય છે. આ વખતે લોકમેળામાં રાઈડ્સ માટે કડક એસઓપી બનાવવામાં આવી હતી. જેમાં કેટલાક નિયમો એવા છે. કે, એનું પાલન કરવું રાઈડ્સના સંચાલકો માટે અઘરૂં હતું. એટલે રાઈડસ માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી એકપણ ફોર્મ ભરાયા નહતા. અને રાઈડ્સ સંચાલકોએ ભારે વિરોધ કર્યો હતો. આખરે સરકારે નમતું જોખીને એસઓપીમાં છૂટછાટ આપવાની સત્તા જિલ્લા કલેકટરને સોંપી છે. રાજયભરમાં રાઈડ્સ-ગેમઝોન સંબંધી નિયમોમાં સુધારા-વધારા માટે અંતે રાજયભરના તમામ જિલ્લા કલેકટરો અને પોલીસ કમિશ્નરોને ગૃહ વિભાગ દ્વારા છૂટ્ટ આપી દેવામાં આવી છે. જેના પગલે અંતે લોકમેળાની રાઈડ્સ માટેનો માર્ગ હવે ખુલી જવા પામેલ છે.

રાજકોટના લોકમેળાની રાઈડસની એસઓપીનો વિવાદ છેલ્લા એક વર્ષથી વકર્યો હતો જેના પગલે તેની સામે રાઈડસ સંચાલકોએ લડતના મંડાણ કર્યા હતા. રાજકોટના ભાતીગળ લોકમેળાની રાઈડસના મુદે ગત વર્ષે રાઈડસ સંચાલકોએ હાઈકોર્ટના દ્વારા પણ ખખડાવ્યા હતા. ત્યારબાદ ચાલુ વર્ષે પણ લોકમેળા માટે રાઈડસ સંચાલકોએ પ્લોટ માટેના ફોર્મ નહીં ભરી રાઈડસ માટેની એસઓપીમાં છુટછાટ આપવાની માંગણી ઉઠાવી આ પ્રકરણમાં રાજયના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, રાજય સરકારના યાંત્રિક વિભાગના સચીવ તેમજ સાંસદને રજૂઆત કરી હતી. જેના પગલે અંતે આજે રાજય સરકારના ગૃહ વિભાગના ઉપ સચિવ શ્રધ્ધા પરમારે લોકમેળા-ગેમઝોન અંગે એસઓપીમાં છુટછાટ આપતો ખાસ પરિપત્ર ઈશ્યુ કરી દીધો છે. જે અંતર્ગત લોકમેળાઓમાં રાઈડસના લાયસન્સ આપવા અંગેના સૂચનો કરવામાં આવેલ છે. એમ્યુઝમેન્ટ રાઈડસ અને ગેમીંગ ઝોન એકટીવીટી સેફટી રૂલ્સ 2024ના સંદર્ભમાં આ સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં હાલના નિયમ મુજબ રાઈડસ માટે લાયસન્સની અરજી કર્યાના 60 દિવસમાં લાયસન્સ આપવાનું રહે છે જો કે તહેવારો દરમિયાન યોજાતા મેળાના આયોજકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને લોકમેળા- આનંદ મેળાઓના કિસ્સામાં લાયસન્સ આપવાની સમય મર્યાદા ઘટાડીને 30 દિવસની કરવાની ભલામણ કરવામાં આવી છે.

આ ઉપરાંત સ્થાનિક સરકારી ઈજનેરોની નિમણુંકના મામલે સીટી ડીસ્ટ્રીકટ રાઈડસ સેફટી એન્ડ ઈન્સ્પેકશન કમીટીમાં હાલમાં એકથી વધુ જિલ્લાઓની જવાબદારી સંભાળતા ઈજનેરો નિમાયેલા છે. તેના બદલે જે તે જિલ્લા શહેર ખાતે ઉપલબ્ધ વર્ગ-2 કે તેથી ઉપરના સ્થાનિક સરકારી ઈજનેરોને કમીટીમાં સમાવેશ કરવાનું સુચન કરવામાં આવ્યુ છે. જેનાથી લાયસન્સ પ્રક્રિયા ઝડપી બનશે અને મેળાનું સમયસર આયોજન સુનિશ્ચિત થશે. મેળાની રાઈડસ માટે ફાઉન્ડેશનના નિયમોમાં  આયોજકોએ રાઈડસ માટે જરૂરીયાત મુજબ એન્જિનીયર દ્વારા સૂચવાયલા સોઈલ સ્ટ્રેબીલીટી રીપોર્ટ અને રાઈડસની રોડ બેરીંગની કેપેસીટી ધ્યાનમાં લેવા ફાઉન્ડેશન તૈયાર કરવાની ગાઈડલાઈન આપવામાં આવી છે. જેમાં માર્ગ અને મકાન વિભાગના ઈજનેરની તપાસ બાદ જરૂરી સુચના મળે તો તપાસ બાદ ફેરફાર કરવાનો રહેશે અને જો જરૂર ન હોય તો આરસીસી ફાઉન્ડેશનનો આગ્રહ રાખવામાં આવશે નહીં.

આ ઉપરાંત આ અંગેના લાયસન્સની ગણત્રી આયોજકને ઓપરેશન લાયસન્સ મળ્યા તારીખથી કરવામાં આવશે. જે અરજદારે તેમની અરજીમાં દર્શાવેલ દિવસો મુજબ મહતમ 90 દિવસની મર્યાદામાં રહેશે. ગૃહ વિભાગ દ્વારા રાજયના તમામ કલેકટરો અને પોલીસ કમિશ્નરોને એમ્યુઝમેન્ટ રાઈડસ અને ગેમીંગ ઝોન એકટીવીટી સેફટી રૂલ્સ 2024માં આ જાહેર કરાયેલ ગાઈડલાઈન સુધારા વધારા કરતા આદેશ આપતો પરીપત્ર કરી દેવામાં આવેલ છે જેના પગલે એસઓપીમાં છુટછાટ મળતા લોકમેળામાં રાઈડસ માટેનો માર્ગ હવે ખુલ્લો થયેલ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code