સુરેન્દ્રનગર, 11 જાન્યુઆરી 2026: જિલ્લાના ચોટિલા ખાતે ડુંગરની તળેટીમાં સરકારી જમીન પર વર્ષોથી દબાણો થયેલા છે. ત્યારે પ્રાંત અધિકારીએ ટીમને સાથે રાખીને ગેરકાયદે દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ અંતર્ગત આશરે 17 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની બજાર કિંમત અંદાજે ₹105 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
ચોટીલા ખાતે આવેલા સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. યાત્રાળુઓને અવરજવરમાં કોઈ અગવડ ન પડે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ડુંગર તરફ જતા 40 ફૂટ પહોળા રસ્તા પર દુકાનદારો દ્વારા આશરે 10-10 ફૂટનું દબાણ કરીને રસ્તો 20 ફૂટ જેટલો સાંકડો કરી દેવાયો હતો. આથી નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનના પી.આઈ. સાથે મળીને આ ઝુંબેશ હાથ ધરાઈ હતી. નેશનલ હાઈવેથી ડુંગર તરફ જવાના રસ્તાની બંને બાજુએ આવેલી આશરે 400 થી 450 દુકાનો દ્વારા પતરાના શેડ અને સ્ટોલ ઊભા કરીને દબાણ કરવામાં આવ્યું હતું. દુકાનદારોને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. જોકે, દબાણ દૂર ન થતાં સવારે 10 કલાકે નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં મફતિયાપરા તરફ જવાના રસ્તાની જમણી બાજુએ આવેલા નવગ્રહ મંદિરના કંપાઉન્ડમાં આવેલું ત્રણ માળનું ખાનગી ગેસ્ટ હાઉસ પણ આ કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવી રહ્યું છે. ખુલ્લી કરાયેલી જમીન પર ટૂંક સમયમાં તાર ફેન્સિંગ કરવામાં આવશે અને રસ્તાને વિકાસ પથ/સુવિધા પથ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સરકારી જમીનની જાળવણી માટે વિગતવાર કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે.


