
- શહેરમાં પીએમ મોદીનો 3.5 કિમીનો રોડ શો યોજાશે
- 75,000 લાભાર્થીઓને NFSA યોજનાનો લાભ આપશે
- સીઆર પાટિલ અને હર્ષ સંઘવીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 7મી માર્ચના રોજ સુરતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરત શહેરની મુલાકા દરમિયાન વડાપ્રધાન મોદીનો 3.5 કિમીનો રોડ શો યોજાશે, ત્યારબાદ શહેરના નીલગીરીના મેદાનમાં યોજાનારા કાર્યક્રમમાં 75,000 લાભાર્થીઓને એનએફએસએ ( નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટ) યોજનામાં સમાવેશ કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યા છે. જેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. શહેરમાં PM મોદીનો 3.5 કિલોમીટર લાંબો રોડ શો પણ યોજાશે, જેમાં હજારો લોકો પીએમનું ભવ્ય સ્વાગત કરશે. વડાપ્રધાનની સુરત યાત્રા માટે સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયા બાદ શહેરના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાશે, જ્યાં 75,000 લાભાર્થીઓને NFSA (National Food Security Act) અંતર્ગત સામેલ કરાશે. આ લાભાર્થીઓમાં વૃદ્ધ સહાય પેન્શન, વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાઓના લાભાર્થીઓનો સમાવેશ થશે. કાર્યક્રમના સ્થળ પર જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદી લિંબાયત વિસ્તારમાં હેલીપેડ પરથી નીલગીરી ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શોમાં ભાગ લેશે. આગમન સમયે બંને તરફ હજારોની સંખ્યામાં લોકો વડાપ્રધાનનું અભિવાદન કરશે. રોડ શો માટે અલગ-અલગ પોઇન્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જ્યાં PM મોદીનું ભવ્ય સ્વાગત થવાનું છે. પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું વડાપ્રધાનનો સત્તાવાર કાર્યક્રમ હજુ જાહેર થયો નથી પણ વડાપ્રધાન સુરતમાં રાત્રિ રોકાણ કરશે. અને 8 માર્ચના રોજ નવસારી ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. તેમના રોકાણ અને કાર્યક્રમોને લઈને વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થાઓની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.