
પ્રધાનમંત્રીએ શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી, તેમની પ્રામાણિકતા, નમ્રતા અને નિર્ણાયક નેતૃત્વના કાયમી વારસાને યાદ કર્યો હતા.
પ્રધાનમંત્રીએ ઇતિહાસના નિર્ણાયક ક્ષણોમાં ભારતના રાષ્ટ્રીય પાત્રને ઘડવામાં શાસ્ત્રીજીની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમનું પ્રતિષ્ઠિત સૂત્ર, “જય જવાન જય કિસાન”, આજે પણ ભારતના સૈનિકો અને ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું એક શક્તિશાળી પ્રતીક છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીનું જીવન અને નેતૃત્વ ભારતીયોની પેઢીઓને એક મજબૂત અને આત્મનિર્ભર રાષ્ટ્રના નિર્માણમાં પ્રેરણા આપતું રહેશે.
X પર શેર કરેલા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી એક અસાધારણ રાજનેતા હતા જેમની પ્રામાણિકતા, નમ્રતા અને દૃઢ નિશ્ચયએ પડકારજનક સમયમાં પણ ભારતને મજબૂત બનાવ્યું. તેઓ અનુકરણીય નેતૃત્વ, શક્તિ અને નિર્ણાયક કાર્યવાહીના પ્રતીક હતા. ‘જય જવાન જય કિસાન’ના તેમના આહ્વાનથી આપણા લોકોમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત થઈ. તેઓ એક મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવાના આપણા પ્રયાસોમાં આપણને પ્રેરણા આપતા રહે છે.”