
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અવકાશ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. અવકાશ ક્ષેત્રને ઉદાર બનાવવામાં આવ્યું છે જેથી બિન-સરકારી સંસ્થાઓ (એનજીઈ) સંપૂર્ણ અવકાશ પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે. આ માહિતી કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, અણુ ઊર્જા અને અવકાશ વિભાગ રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે, આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.
ડૉ. સિંહે માહિતી આપી હતી કે, એનજીઈ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા, સક્ષમ કરવા, અધિકૃત કરવા અને દેખરેખ રાખવા માટે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (ઇન-સ્પેસ) ની સ્થાપના કરવામાં આવી છે. નિયમનકારી સ્પષ્ટતા સુનિશ્ચિત કરવા અને સમૃદ્ધ અવકાશ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ભારતીય અવકાશ નીતિ – 2023, ધોરણો, માર્ગદર્શિકા અને પ્રક્રિયાઓ (એનજીપી) અને એફડીઆઈ નીતિની સ્થાપના કરવામાં આવી હતી. આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને એનજીઈ ને ટેકો આપવા માટે ટેકનોલોજી એડોપ્શન ફંડ (ટીએએફ), સીડ ફંડ, પ્રાઇસિંગ સપોર્ટ, મેન્ટરશિપ અને ટેકનિકલ લેબ જેવી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, એનજીઈ સાથે 78 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને 31 ડિસેમ્બર, 2024 સુધીમાં 72 અધિકૃતતાઓ જારી કરવામાં આવી છે.
ઇન-સ્પેસ પીપીપી દ્વારા પૃથ્વી નિરીક્ષણ (ઈઓ) સિસ્ટમ સ્થાપિત કરવા માટે કામ કરી રહ્યું છે. ભારતીય કંપનીઓને નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (એસએસએલવી) નું ટેકનોલોજી ટ્રાન્સફર પ્રગતિમાં છે. ભારતીય સંસ્થાઓ માટે ઓર્બિટલ સંસાધનોને ઍક્સેસ કરવા માટે તકો ઊભી કરવામાં આવી રહી છે. સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે, સરકારે આગામી નાણાકીય વર્ષમાં 1,000 કરોડ રૂપિયાનું વેન્ચર કેપિટલ ફંડ સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કુલ મળીને લગભગ 330 ઉદ્યોગો/સ્ટાર્ટઅપ્સ/એમએસએમઈ તેમની પ્રવૃત્તિઓને સક્ષમ બનાવવા માટે ઇન-સ્પેસ સાથે સંકળાયેલા છે. અવકાશ પ્રવૃત્તિઓ, ડેટા પ્રસારણ, ટેકનોલોજી ટ્રાન્સફર, પ્રમોશનલ પ્રવૃત્તિ, ઇન-સ્પેસ ટેકનિકલ સેન્ટર અને ઈસરો પરીક્ષણ સુવિધાઓ વગેરે માટે અધિકૃતતા ઉદાર બનાવવામાં આવી છે.