1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 22મી મેથી 5 જુન સુધી પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવા જન જાગૃતિ કાર્યક્રમો યોજાશે
ગુજરાતમાં 22મી મેથી 5 જુન સુધી પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવા જન જાગૃતિ કાર્યક્રમો યોજાશે

ગુજરાતમાં 22મી મેથી 5 જુન સુધી પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવા જન જાગૃતિ કાર્યક્રમો યોજાશે

0
Social Share
  • રાજ્યમાં 53 નુક્કડ નાટક દ્વારા પર્યાવરણને સ્વચ્છ રાખવા જનજાગૃતિ સંદેશ અપાશે
  • તા. 5મી જૂનના રોજ  ‘વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી કરાશે
  • રાજ્યના જુદા બીચ પર સ્વચ્છતાના કાર્યક્રમો પણ યોજાશે

ગાંધીનગરઃ  પર્યાવરણની સુરક્ષા અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવાના ધ્યેય સાથે આગામી તા. 5 જૂનના રોજ  ‘વિશ્વ પર્યાવરણ દિવસ-2025’ની ઉજવણી કરવામાં આવશે. વન-પર્યાવરણ મંત્રી  મુળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી  મુકેશ પટેલના માર્ગદર્શનમાં વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન-ગેમી, ગાંધીનગર દ્વારા તા.22 મે થી તા. 05 જૂન 2025 દરમિયાન “WED 2025 Pre-campaign” અંતર્ગત જન જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ પર્યાવરણની સુરક્ષા અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અંગે સમાજમાં વધુ જાગૃતિ લાવવાનો છે.

આ પ્રિ-કેમ્પેઈન અંતર્ગત ગેમી, ગાંધીનગર દ્વારા રાજ્યભરમાં બીચ ક્લીનઅપ, નુક્કડ નાટક, ઓનલાઈન સ્પર્ધા, રિવર ક્લીન-અપ ડ્રાઈવ, પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ડ્રાઈવ, સાયક્લોથોન તેમજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે.

આ ઉપરાંત દરિયાકાંઠાને પ્લાસ્ટિક અને અન્ય કચરામાંથી મુક્ત કરવા માટે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, નગરપાલિકાઓ અને સંસ્થાઓની સહભાગીદારી રહેશે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત તા. 27 મેના રોજ માંડવી અને માધવપુર બીચ ખાતે, 28 મેના રોજ ઉમરગામ, પિંગલેશ્વર, ચોપાટી, દ્વારકા, શિવરાજપુર બીચ, તા.29 મે એ તિથલ, બેટ દ્વારકા, ઓખા મઢી બીચ, તા. 30 મે એ દાંડી, વેરાવળ બીચ, તા. 31 મે એ ઉભરાટ, સુવાલી, ઉંચા કોટડા બીચ તેમજ તા. 01 જૂનના રોજ ડુમસ અને ભવાની બીચ ખાતે સફાઈ કાર્યક્રમનો આયોજન કરવામાં આવશે.

રાજ્યમાં તા. 23 મે થી તા. 05 જૂન 2025 સુધી રાજકોટ, અમદાવાદ, વડોદરામાં ૫, જૂનાગઢ ભાવનગરમાં 4, કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા, દાહોદ, ભરૂચ, તાપીમાં 3, પાટણ છોટાઉદેપુર તેમજ ડાંગમાં 2 મળીને કુલ 53 નુક્કડ નાટકો દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવા માટે જાહેર સ્થળોએ નુક્કડ નાટકો દ્વારા સંદેશ પહોંચાડવામાં આવશે.

આ ઉપરાંત યુવાનો અને વિદ્યાર્થીઓમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા માટે તા. 22 મે થી 30 મે સુધી ઓનલાઈન ક્વિઝ, નિબંધ, પોસ્ટર ડિઝાઈન સ્પર્ધા, રીલ વિડિયો સ્પર્ધા, અપસાયકલ ટ્રેશ ટુ ટ્રેઝર અને પોસ્ટર મેકિંગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. તા. 22 મે થી તા. 24 મે 2025 દરમિયાન મહિસાગર નદી, ગળતેશ્વર કાંઠા, ગળતેશ્વર મહાદેવ મંદિર, સરનાલ, ખેડા ખાતે નદીઓને પ્લાસ્ટિક અને કચરામાંથી સાફ કરવા માટે સ્વચ્છતા અભિયાન યોજાશે.

રહેણાંકી ઘરો અને સોસાયટીઓમાંથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવા માટે તા. 26 મે થી તા.01 જૂન 2025 દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના ખાતે એક ઝુંબેશ સ્વરૂપે પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ડ્રાઈવ શરુ કરવામાં આવશે. પર્યાવરણ જાગૃતિ માટે સાયકલ રેલીનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા સાથે સંયુક્ત રીતે કરવામાં આવશે. આ રેલીમાં ગાંધીનગરના શહેરીજનો ભાગ લઈ શકશે.

ઉપરોક્ત તમામ પ્રવૃત્તિઓને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અને હિતધારકોને પર્યાવરણીય પ્રયાસોમાં જોડવા માટે, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા. 05 જૂન 2025ના રોજ સવારે 11.00  કલાકે  એક સમાપન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં હિતધારકો, સહયોગીઓ, સ્વયંસેવકો અને વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને આમંત્રણ આપવામાં આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code