
પુતિનનો અમેરિકાને સ્પષ્ટ સંદેશ : યુનિપોલર નહીં, હવે વિશ્વને જોઈએ ‘મલ્ટિપોલર વર્લ્ડ ઓર્ડર’
બેઇજિંગ/મોસ્કો : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ચીનમાંથી વિશ્વને મોટો સંદેશ આપ્યો છે. ચીનની ચાર દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ પુતિને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હવે વિશ્વ એકધ્રુવિય (Unipolar) નહીં, પરંતુ બહુધ્રુવિય (Multipolar) વ્યવસ્થામાં આગળ વધે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત અને ચીન જેવી મોટી અર્થવ્યવસ્થાઓનું વધતું વજન અવગણવું શક્ય નથી. પુતિને કહ્યું કે, આજની પરિસ્થિતિમાં કોઈ એક દેશ રાજકારણ કે સુરક્ષામાં હાવી ન થવો જોઈએ, બધાને સમાન હક્ક મળવો જોઈએ.
શીત યુદ્ધ પછીથી અમેરિકા એકમાત્ર સુપરપાવર તરીકે હાવી રહ્યું હતું. આ અવસ્થાને યુનિપોલર વર્લ્ડ ઓર્ડર કહેવામાં આવે છે. પુતિને તેને “જૂનું અને અન્યાયી મોડેલ” ગણાવ્યું હતું. તેમણે BRICS અને SCO જેવા મંચોનું ઉદાહરણ આપતા કહ્યું કે અહીં તમામ દેશો સમાન રીતે ભાગીદારી કરે છે. મલ્ટિપોલર વર્લ્ડ ઓર્ડરનો મતલબ એ છે કે વૈશ્વિક નિર્ણયો હવે માત્ર એક દેશ નહીં પરંતુ અનેક શક્તિશાળી દેશો અને સમૂહો મળીને લેશે. ભારત, ચીન, રશિયા, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો હવે ઝડપથી આગળ વધી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાની હાજરી મજબૂત બનાવી રહ્યા છે.
- મુખ્ય ખેલાડીઓ
ભારત : સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા, પશ્ચિમ તેમજ રશિયા-ચીન સાથે સારા સંબંધો.
ચીન : અમેરિકાને ટક્કર આપતી અર્થવ્યવસ્થા અને ટેક પાવર.
રશિયા : સૈન્ય શક્તિ અને ઊર્જા સંસાધનો દ્વારા પ્રભાવશાળી.
બ્રાઝિલ : લેટિન અમેરિકાની સૌથી મોટી અર્થવ્યવસ્થા, BRICSનો મહત્વપૂર્ણ ભાગ.
દક્ષિણ આફ્રિકા : આફ્રિકામાં રાજકીય અને આર્થિક નેતૃત્વનો દાવો.
- મુખ્ય ગઠબંધનો
BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા), SCO (શાંઘાઈ સહકાર સંગઠન : ચીન, રશિયા, ભારત, પાકિસ્તાન અને મધ્ય એશિયાના દેશો) અને G20 જેવા મંચો હવે મલ્ટિપોલર વર્લ્ડ ઓર્ડરને મજબૂત કરી રહ્યા છે. ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા અને ઈરાન જેવા દેશો પણ પશ્ચિમના દબદબાનો વિરોધ કરી આ વિચારધારાને સમર્થન આપે છે.
પુતિનનો સંદેશ સ્પષ્ટ છે કે, વિશ્વના ભવિષ્યમાં કોઈ એકમાત્ર “બોસ” નહીં, પરંતુ અનેક દેશોની ભાગીદારીથી શક્તિનું સંતુલન બનશે.