છત્તીસગઢમાં સોશિયલ મીડિયા મારફતે સગીરોને આતંકી બનાવવાના રેકેટનો પર્દાફાશ
નવી દિલ્હીઃ છત્તીસગઢના રાયપુરમાં આતંકવાદ વિરોધી દળ (ATS)એ મોટી કાર્યવાહી કરીને આઈએસઆઈએસ (ISIS) માટે કાર્યરત બે સગીરને પકડી પાડ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બંને સગીરોને સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાન સ્થિત ISIS મોડ્યુલ દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ધકેલવામાં આવી રહ્યા હતા.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પાકિસ્તાન સ્થિત ISISનો મોડ્યુલ ફેક અને બોગસ ઓળખવાળા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરી ભારતીય યુવાઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે ભારતીય કિશોરોને ગ્રુપ ચેટમાં જોડવામાં આવતાં હતા, તેમજ તેમના પર ક્રમબદ્ધ રીતે કટરપંથી વિચારધારા લાદવામાં આવતી હતી એટલું જ નહીં જિહાદી અને હિંસક સામગ્રીનો પ્રસાર કરાવવામાં આવતો હતો.
અધિકારીઓના જણુવ્યા પ્રમાણે, સગીરોને છત્તીસગઢમાં ISISનો નવો મોડ્યુલ ઉભો કરવાની પ્રેરણા પણ આપવામાં આવી રહી હતી. જો કે, ATS અને અન્ય તપાસ એજન્સીઓની સતત સાયબર મોનીટરિંગથી બંને સગીરોને ઝડપી લેવામાં આવ્યાં છે. ઓળખ થઈ.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વિજય શર્માએ જણાવ્યું કે, રાયપુરના બે સગીર પાકિસ્તાની મોડ્યુલના નિર્દેશ પર સોશિયલ મીડિયા મારફતે સક્રિય હતા. તેમણે ફેક આઈડી બનાવી અન્ય યુવાનોને પણ પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. “જ્યારે તપાસમાં સ્પષ્ટ થયું કે તેમની પ્રવૃત્તિ દેશવિરોધી અને સુરક્ષા માટે ખતરો છે, ત્યારે UAPAની ધારાઓ હેઠળ તેમને પકડી લેવામાં આવ્યા,” એમ શર્માએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાજ્યમાં આ વર્ષનો આ પ્રકારનો પહેલો કેસ છે અને સરકાર ISISથી જોડાયેલા તમામ તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.


