લખનઉ: ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કૈશવ પ્રસાદ મૌર્યે બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી હવે કોંગ્રેસના “બહાદુરશાહ જફર” બની ગયા છે, અને તેઓ પોતાની પાર્ટીને પૂર્ણપણે સમાપ્ત કરીને જ અટકશે. મૌર્યે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું કે, “રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે નિષ્ફળ રહ્યા, લોકસભામાં વિરોધપક્ષના નેતા તરીકે નિષ્ફળ રહ્યા અને પાંચ વાર સાંસદ હોવા છતાં જનતા વચ્ચેનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. પોતાની સતત નિષ્ફળતાને છુપાવવા માટે તેઓ દરરોજ કોઈ નવો ‘બોગસ ખેલ’ રચે છે.”
કૈશવ પ્રસાદ મૌર્યે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું અસ્તિત્વ ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યું છે. લોકો હવે તેમના ભાષણો કે નાટકીય નિવેદનોને ગંભીરતાથી લેતા નથી. કોંગ્રેસની રાજનીતિ હવે માત્ર ઝૂઠ, ભ્રમ અને અસંતોષ ફેલાવવાની હદ સુધી સીમિત રહી ગઈ છે.
મૌર્યે સમાજવાદી પાર્ટી અને તેના પ્રમુખ અખિલેશ યાદવ પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, “બિહારના ચૂંટણી પર્વમાં અખિલેશ યાદવ નાહક જ પોતાનો લઠ્ઠ ભાંજતા ફર્યા કરે છે. આ ચૂંટણીમાં તેમની સપા ન તો ત્રણમાં છે, ન તો તેરામાં. બિહારની જમીન તેમની પાર્ટી માટે સંપૂર્ણ રીતે સૂકી સાબિત થઈ છે.”
ઉપમુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે બિહારની જનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર અડગ વિશ્વાસ ધરાવે છે. ભાજપ અને એનડીએના પક્ષમાં જનસમર્થન વધતું જઈ રહ્યું છે. મૌર્યે કહ્યું કે બિહારની જનતા વિકાસ, સુશાસન અને સ્થિરતા જેવી રાજનીતિને પ્રાથમિકતા આપે છે, જ્યારે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ માત્ર કુટુંબવાદ અને અવસરવાદની રાજનીતિમાં લીપ્ત છે.


