
- માછીમારોને તા.10મી સપ્ટેમ્બર સુધી દરિયો નહી ખેડવા IMD દ્વારા સૂચના,
- શામળાજી-ઉદયપુર માર્ગે ભૂસ્ખલન, સાબરકાંઠામાં 9 લોકોનું રેસ્ક્યૂ કરાયુ,
- વલ્લભીપુર નજીક કેરી નદીમાં ઈકોકાર તણાઈ, બે પ્રવાસીને બચાવી લેવાયા
- સિસ્ટમ 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે તો અતિભારે વરસાદ પડી શકે છે
અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 211 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં તો 8 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે વલસાડ, કપરાડા, વાવ, દોલવણ, ગાંધીનગરના દહેગામ, ખેરગામ, ધરમપુર સહિતના તાલુકાઓમાં ત્રણથી ચાર ઈંચ વરસાદ પડ્યો છે. આજે દિવસ દરમિયાન આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા રહ્યા હતા.રાજ્યમાં સિસ્ટમ હજુ પણ વધુ મજબૂત બનવાની સંભાવના છે. તે સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનવાની હવામાન વિભાગની આગાહી છે. સિસ્ટમ 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે તો અતિભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. ભારતીય હવામાન વિભાગે માછીમારોને તા.7મી સપ્ટેમ્બરથી તા.10મી સપ્ટેમ્બર દરમિયાન દરિયો નહી ખેડવા સૂચના આપી છે. આજે બપોર સુધીમાં 211 તાલુકામાં વરસાદ પડ્યો છે, ભાવનગરના વલ્લભીપુર નજીક કેરી નદીમાં ઈકોકાર બે પ્રવાસી સાથે તણાતા ગ્રામલોકો અને સ્થાનિક તરવૈયાએ બન્ને પ્રવાસીને બચાવી લીધા હતા. જ્યારે શામળાજી-ઉદયપુર હાઈવે પર ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાં 91.26 ટકા જળ સંગ્રહ થયો છે. જેમાં 309048 એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ છે. રાજ્યના 206 જળાશયો પૈકી 123 ડેમ હાઈ એલર્ટ ઉપર છે જયારે 20 ડેમ એલર્ટ ઉપર તથા 14 ડેમ વોર્નીગ ઉપર છે. રાજ્યના 203 જળાશયોમાં હાલ 46,7920 એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના 83.87 ટકા જેટલો છે.
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના નસીતપુર ગામે કેરી નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલી એક ઈકો કારમાંથી બે વ્યક્તિઓને ગામલોકો અને સ્થાનિક તરવૈયાની મદદથી બચાવી લેવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ભીમડાદ ડેમ ઓવરફ્લો થતાં નસીતપુર ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો, જેના કારણે આ દુર્ઘટના બની હતી. તથાં એક કૂતરો પણ પાણીના તાણમાં તણાયો છે.
જ્યારે અરવલ્લી જિલ્લામાં શામળાજી-ઉદયપુર હાઈવે પર ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના સામે આવી છે, જેના પરિણામે રસ્તો અવરોધાયો છે. હાઈવે ઓથોરિટી દ્વારા પથ્થરો હટાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી દરમિયાન સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સાબરમતી નદીના પ્રવાહમાં પશુ ચરાવવા ગયેલા 9 લોકો ફસાયા હતા, જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. સ્થાનિકોની જાણ થતાં NDRFની ટીમે તત્કાળ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને તમામ 9 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.