રાજકોટ, 19 માર્ચ 2026: RTO drives against those violating traffic rules on highway ગુજરાતમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. મોટાભાગના અકસ્માતો ઓવરસ્પિડિંગ, ઓવરટેક અને નિયત લેનમાં વાહનો ન ચલાવવાથી થઈ રહ્યા છે. ત્યારે અકસ્માતના બનાવો ન બને તે માટે ગુજરાતના વાહન વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં કડક ચેકિંગ કરવાનો આદેશ અપાયો છે. જેમાં રોંગ લેન, ઓવર પેસેન્જર અને HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકોને મેમો આપવામાં આવી રહ્યો છે. રાજકોટ આરટીઓ કચેરીએ માત્ર એક અઠવાડિયામાં જ આ પ્રકારના 210 મેમો ફટકારી દીધા છે, જેના થકી રૂ.8 લાખની આવક થઈ છે. આ દરમિયાન હેવી વ્હીકલ ધારકો ત્રીજી લેનમાં વાહન ચલાવે તેવી સમજ આપવામાં આવી હતી, જેથી નાના વાહનચાલકોએ વધુ ઓવરટેક ન કરવું પડે અને તેને લીધે અકસ્માતોની ઘટના પણ અટકાવી શકાય.
આ અંગે રાજકોટના આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે, વાહન-વ્યવહાર કમિશનર દ્વારા મળેલી સુચના બાદ હાઈવે પર ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વાહનચાલકોની ટ્રાફિક સેન્સ ખરાબ છે તે બાબતે રોંગ લેન, રોંગ સાઇડ ડ્રાઇવ, HSRP વિનાના જે વાહનો છે. ઉપરાંત ઓવર પેસેન્જર વાહનો ચાલે છે, તેમજ નોન ટ્રાન્સપોર્ટેશન વ્હીકલમાં મુસાફરોની હેરફેર થાય છે તેને ધ્યાનમાં લઈને ઝૂંબેશ ચલાવવામાં આવી છે. રાજકોટ આરટીઓ દ્વારા અમદાવાદ, મોરબી, જામનગર અને ગોંડલ સહિતના હાઇવે પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. એક અઠવાડિયામાં HSRP (હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ) વિનાના 35 કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોંગ લેનના 120 કેસ કરવામાં આવ્યા હતા. આ સાથે જ પરમિટ ભંગ અને ઓવર પેસેન્જરના 55 કેસ કરવામાં આવેલા છે. આ રીતે એક અઠવાડિયામાં 210 મેમો ફટકારવામાં આવ્યા છે અને અંદાજે રૂ. 8 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
રાજ્યના વાહન-વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યની તમામ RTO કચેરીને સંબોધીને પરિપત્ર કરવામાં આવ્યો હતો. હાઈવે પર પ્રાઇવેટ વાહનોનો ટેક્ષી અથવા મેક્ષી તરીકે ઉપયોગ કરી મુસાફરોનું પરીવહન થતું હોય છે. જેમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડવામાં પણ આવતા હોય છે. આવા વાહનો દ્વારા મુસાફરોનું પરીવહન ખૂબ જ જોખમી છે. તેમજ રોંગ સાઈડ હંકારવામાં આવતા વાહનો અને નંબર પ્લેટ વિનાના વાહનો, ગેરકાયદેસર માઈનિંગ પ્રવૃત્તિમાં સંડોવાયેલા વાહનો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. આથી આ બાબતની ગંભીરતા ધ્યાને લઇ પ્રાઇવેટ વાહનોમાં મુસાફરોનું ગેરકાયદેસર પરીવહન કરતા વાહનો, રોંગ સાઈડ હંકારવામાં આવતા વાહનો અને ક્વોરી તેમજ અન્ય વિસ્તારમાં પરિવહન કરતા નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ સઘન એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવા ખાસ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે.


