
- 20 જેટલી કંપનીઓને આરટીઓએ વાહનોના બાકી વેરા અંગે નોટિસ ફટકારી
- આરટીઓની રૂ. 82 લાખની ટેકસ રિકવરી માટે કાર્યવાહી
- માર્ચ મહિનાના અંત સુધીમાં બાકી વેરાની વસુલાત કરી દેવામાં આવશે
રાજકોટઃ શહેર અને જિલ્લામાં કોમર્શિયલ ઘણાબધા વાહનોના વેરા બાકી છે, ત્યારે માર્ચના અંત પહેલા જ બાકી વેરાની વસુલાત માટે રાજકોટ આરટીઓએ ઝંબેશ ચલાવી છે. શહેરમાં જુદી જુદી 20 કંપનીઓના કોમર્શિયલ વાહનોનો બાકી રૂ. 5.82 લાખનો વાહન વેરો તાત્કાલિક ભરી જવા તાકીદ કરવામાં આવી છે. જ્યારે અન્ય કંપનીના આશરે 300 જેટલાં વાહનોને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
રાજકોટ આરટીઓ દ્વારા કોમર્શિયલ વાહનોના બાકી વેરાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. થોડા દિવસો પહેલા શૈક્ષણિક સંસ્થાઓને બાકી વાહન વેરો ભરવા નોટિસો ફટકાર્યા બાદ હવે આર.ટી.ઓ.તંત્રએ જુદી-જુદી 20 કંપનીઓને બાકી રૂ. 5.82 લાખનો વાહન વેરો તાત્કાલિક ભરી જવા તાકીદ કરવામાં આવી છે. રાજકોટ આર.ટી.ઓ. કચેરી દ્વારા કંપનીના નામે ચાલતા વાહનોના બાકી રહેલા વાહનોના ટેક્સ બાબતે હાલ 20 કંપનીને નોટિસ આપી ટેક્સ ભરપાઈ કરવા જણાવ્યું છે. આશરે કુલ 5,82,883 જેટલો કંપનીઓ દ્વારા તેમના વાહનનો ટેક્સ ભરપાઈ કરેલો ન હોવાનું ધ્યાને આવતા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં એ.જી.લોજીસ્ટિક, એ.એસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ.વી.એન કન્સ્ટ્રકશન, આરવ એન્ટરપ્રાઇઝ, આશીર્વાદ કન્સ્ટ્રકશન, આદિત્ય અલ્ટ્રા સ્ટીલ લિમિટેડ અને મારુતિ એન્ટરપ્રાઇઝના વાહનોનો વેરો ભરવા નોટિસ આપવામાં આવી છે.
આ ઉપરાંત એ.એફ.ટી. ગ્લોબલ એલ.એલ.પી, અગ્રવાલ ગટર એન્ડ વેરહાઉસ, એગ્રીકલચર પ્રોડક્ટ માર્કેટ કમિટી, અભેલભાઈ જીલુભાઈ કપરાડા કંપની દ્વારા સરકારમા વાહનોના બાકી રહેલા વાહનોના ટેક્સ બાબતે ભરપાઈ કરવાનાં હેતુથી નોટિસ આપવામાં આવી છે અને નિયમો અનુસાર ટેક્સ ભરપાઈ કરવા જણાવ્યું છે તેમજ બાકી રહેલા અન્ય કંપનીના આશરે 300 જેટલાં વાહનોને નોટિસ આપવાની કાર્યવાહી પણ હાલ કાર્યરત છે.