અમદાવાદ, 9 એપ્રિલ 2026: Raju Karpada joins BJP સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ પક્ષપલટુઓની મોસમ પણ ખીલી ઊઠી છે. આમ આદમી પાર્ટીના એક સમયમાં આગેવાન ગણાતા અને ખેડૂતોના પ્રશ્ને સરકાર સામે લડત આપીને લોકપ્રિય બનેલા રાજુ કરપડાએ થોડા મહિના પહેલા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. અને ત્યારથી ભાજપમાં જાડાશે એવી અટકળો શરૂ થઈ હતી. અંતે અટકળો સાચી પડી છે, રાજુ કરપડા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ ભાજપમાં જોડાયા છે.
આમ આદમી પાર્ટીના પૂર્વ ખેડૂત નેતા રાજુ કરપડા સત્તાવાર રીતે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપના આગેવાનોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને માત્ર રાજુ કરપડા જ નહીં, પરંતુ તેમની સાથે અમૃત મકવાણા, નીતિન પટેલ, કે. ડી. ઝાલા, રાજેન્દ્ર સિંહ રાઠોડ અને ધીરુભાઈ મેલાલિયા જેવા અન્ય અગ્રણી નેતાઓએ પણ ભાજપનો સાથ સ્વીકાર્યો છે. આ નેતાઓના જોડાવાથી ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે તેમ માનવામાં આવે છે.
ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાએ ભાવુક નિવેદન આપતા જણાવ્યું હતું કે, “મેં 2017-18થી ખેડૂત સંગઠન ચલાવીને ખેડૂતોનો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. ૨૦૨૧માં હું એક ચોક્કસ પક્ષમાં જોડાયો જેથી ખેડૂતોનો અવાજ બુલંદ બનાવી શકાય. જ્યારે પણ કુદરતી આફતો આવી, ત્યારે મેં ખેડૂતો માટે અવાજ બનવાનો પ્રયાસ કર્યો છે.”તેમણે વધુમાં ઉમેર્યું કે, “મને સમજાયું છે કે સરકાર સામે માત્ર વિરોધ પ્રદર્શન કરવાથી ખેડૂતોનું હિત નથી થતું, તેનાથી માત્ર નેતાનો ચહેરો ચમકે છે. ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે સત્તા અને સરકારના સાથની જરૂર છે. હું જ્યારે જેલમાં હતો ત્યારે સરકારે રાહત પેકેજ આપ્યું હતું, જેનાથી ખેડૂતોને ખરેખર ફાયદો થયો હતો. આથી, ખેડૂતોના હિત માટે હું ભાજપમાં જોડાયો છું.”
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ AAPના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ગયા છે. અગાઉ જ્યારે કરપડા આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે કહેતા હતા કે સૂરજ દાદા આથમણા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ. તેઓ ભાજપમાં જોડાતા જ તેમના અગાઉના નિવેદનનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.


