1. Home
  2. ગુજરાતી
  3. જાણીતા ફિલ્મ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
જાણીતા ફિલ્મ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

જાણીતા ફિલ્મ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

0
Social Share

મુંબઈઃ ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારનું નિધન થઇ ગયું છે.મનોજ કુમાર ખાસ કરીને તેમની દેશભક્તિ આધારિત ફિલ્મો માટે જાણીતા હતા.તેમને ભારત કુમાર નામે પણ ઓળખવામાં આવતા હતા.મિસ્ટર ભારતે 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

મેડિકલ રિપોર્ટ અનુસાર,અભિનેતા ‘ભારત કુમારે’ સવારે 4:03 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવાયું છે.રિપોર્ટમાં એ વાતની પણ પુષ્ટિ કરવામાં આવી છે કે મનોજ કુમાર છેલ્લા કેટલાક મહિનાઓથી ડીકોમ્પેન્સેટેડ લિવર સિરોસિસથી પીડિત હતા.21 ફેબ્રુઆરી,2025ના રોજ તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
ભારતીય સિનેમામાં મનોજ કુમારના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.તેમને ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મનોજ કુમાર તેમનાં ચલચિત્રો હરિયાલી ઓર રાસ્તા, વો કોન થી?, હિમાલય કી ગોદ મેં, દો બદન, ઉપકાર, પથ્થર કે સનમ, નીલ કમલ, પુરબ ઓર પશ્ચિમ, રોટી કપડા ઓર મકાન, અને ક્રાંતિ માટે જાણીતા છે. તેઓ દેશભક્તિ સંબંધિત ચલચિત્રોમાં અભિનય અને નિર્દેશન માટે જાણીતા છે. ૧૯૯૨-૯૩માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

મનોજ કુમારનું સાચું નામ હરિકૃષ્ણ ગિરિ ગોસ્વામી હતું

હિન્દી સિનેમામાં ઘણા એવા કલાકારો છે જેમણે ગ્લેમરસ દુનિયામાં પ્રવેશતાની સાથે જ પોતાના નામ બદલી નાખ્યા. તેમના ચાહકો તેમને આજ સુધી તે નવા નામથી ઓળખે છે. બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર પણ તેમાંથી એક હતા, જેમણે સિનેમાથી પ્રભાવિત થઈને પોતાનું નામ બદલ્યું, પરંતુ ચાહકો તેમને પ્રેમથી ‘ભારત કુમાર’ કહેતા. પરંતુ મનોજ કુમારનું સાચું નામ હરિકૃષ્ણ ગિરિ ગોસ્વામી હતું. તેમણે ઘણી શાનદાર દેશભક્તિ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા..

હરિકૃષ્ણ બન્યા મનોજ કુમાર

મનોજ કુમારનો જન્મ 24 જુલાઈ, 1937 ના રોજ એબોટાબાદમાં થયો હતો, જે ભાગલા પછી પાકિસ્તાનનો ભાગ બન્યો. મનોજ કુમારના માતા-પિતાએ તે દિવસોમાં ભારત પસંદ કર્યું અને દિલ્હી આવ્યા. તેમને બાળપણથી જ અભિનયનો ખૂબ શોખ હતો. તે અશોક કુમાર, દિલીપ કુમાર અને કામિની કૌશલનો ચાહક હતા. તેમને તેમની દરેક ફિલ્મ જોવાનું ખૂબ ગમતું હતું અને તેમની ફિલ્મોથી પ્રભાવિત થઈને તેમણે પોતાનું નામ હરિકૃષ્ણથી બદલીને મનોજ કુમાર રાખ્યું. તે દરેક જગ્યાએ પોતાનું નામ મનોજ કુમાર કહેતા.જેના કારણે ધીમે ધીમે બધા તેમને મનોજ કુમારના નામથી ઓળખવા લાગ્યા.

મનોજ કુમારનો સિનેમામાં પ્રવેશ થયો

મનોજ કુમાર તેમના કોલેજના દિવસોમાં ખૂબ જ હેન્ડસમ હતા.અને તેથી જ તેઓ કોલેજમાં થિયેટરમાં જોડાયા અને પછી એક દિવસ તેમણે દિલ્હીથી મુંબઈનો રસ્તો પસંદ કર્યો. દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાંથી મનોજ કુમાર સ્નાતક થયા હતા અને ત્યારબાદ તેમણે ફિલ્મ ઉદ્યોગમાં દાખલ થવાનું નક્કી કર્યું. તેમણે ૧૯૫૭માં આવેલી ફિલ્મ ‘ફેશન’ થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી, તેમની ફિલ્મ ‘કાંચ કી ગુડિયા’ 1960 માં રિલીઝ થઈ. આ ફિલ્મમાં તેઓ મુખ્ય અભિનેતા તરીકે દેખાયા, જે સફળ રહી. મનોજ કુમારે ‘ઉપકાર’, ‘પત્થર કે સનમ’, ‘રોટી કપડા ઔર મકાન’, ‘સન્યાસી’ અને ‘ક્રાંતિ’ જેવી અદ્ભુત ફિલ્મો આપી. મોટાભાગની ફિલ્મોમાં મનોજ કુમારનું નામ ‘ભારત કુમાર’ હતું અને આ કારણે તેઓ તેમના ચાહકોમાં તેઓ ‘ભારત કુમાર’ તરીકે પ્રખ્યાત થયા.

લાલ બહાદુર શાસ્ત્રીના નિર્દેશન પર ફિલ્મ ‘ઉપકાર’ બનાવી

મનોજ કુમારના કલાકારો તેમજ રાજકારણીઓ સાથે સારા સંબંધો હતા. ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું અને આ યુદ્ધ પછી મનોજ કુમાર લાલ બહાદુર શાસ્ત્રીને મળ્યા હતા, જેમાં તેમણે મનોજ કુમારને યુદ્ધને કારણે થતી મુશ્કેલીઓ પર ફિલ્મ બનાવવા કહ્યું હતું. જોકે, તે દિવસો સુધી અભિનેતાને ફિલ્મ નિર્માણનો કોઈ અનુભવ નહોતો. આમ છતાં, અભિનેતાએ ‘જય જવાન જય કિસાન’ સંબંધિત ફિલ્મ ‘ઉપકાર’ બનાવી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી. જોકે, લાલ બહાદુર શાસ્ત્રી પોતે આ ફિલ્મ જોઈ શક્યા નહીં.

મનોજ કુમારે ફિલ્મ જગતને કહ્યું અલવિદા

૧૯૯૫માં આવેલી ફિલ્મ ‘મૈદાન-એ-જંગ’માં કામ કર્યા પછી મનોજ કુમારે અભિનય છોડી દીધો. ૧૯૯૯માં, તેમણે તેમના પુત્ર કુણાલ ગોસ્વામીને ‘જય હિંદ’ ફિલ્મમાં દિગ્દર્શિત કર્યા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ફિલ્મોમાંથી નિવૃત્તિ લીધા પછી, મનોજ કુમારે રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ 2004માં ભાજપમાં જોડાયા હતા. મનોજ કુમારના મૃત્યુના સમાચારથી ચાહકો દુઃખી થયા છે. સોશિયલ મીડિયા પર, દરેક વ્યક્તિ ભીની આંખો સાથે પોતાના પ્રિય કલાકારને વિદાય આપી રહ્યા છે. દિગ્ગજ અભિનેતા મનોજ કુમારના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તમામ સેલિબ્રિટી મનોજ કુમારના નિધન પર શૉક વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code