- નિવૃતિના 5 વર્ષ બાદ કર્મચારીઓ CPF ગ્રેચ્યુઈટી અને 7માં પગાર પંચના લાભથી વંચિત
- મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને કરી રજુઆત
- કર્મચારીઓના ડેટા ઇ.પી.એફ.ઓમાં અપલોડ કરવામાં નિગમના અધિકારીઓ લાપરવાહી
ગાંધીનગરઃ ગુજરાત જમીન વિકાસ નિગમના વય નિવૃત્ત થયેલા કર્મચારીઓએ પોતાના બાકી નીકળતા નાણાકીય લાભો મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી છે. વર્ષો સુધી જમીન વિકાસ નિગમમાં સેવા આપ્યા બાદ નિવૃત્તિના પાંચ-પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં નિવૃત કર્મચારીઓને તેમના હક્કના સી.પી.એફ., ગ્રેજ્યુઈટી અને સાતમા પગાર પંચના લાભોથી વંચિત રાખવામાં આવતા કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના વય નિવૃત્ત થયેલા સિનિયર સિટીઝન કર્મચારીઓએ પોતાના બાકી નીકળતા નાણાકીય લાભો મેળવવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. નિવૃત કર્મચારીઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, 2019થી નિવૃત્ત થયેલા કર્મચારીઓના સી.પી.એફ.ની વણચૂકવાયેલ રકમ અને તેના પરના વ્યાજની ચૂકવણી લાંબા સમયથી અટવાયેલી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના નિયમ મુજબ ગ્રેજ્યુઈટીની મર્યાદા 20 લાખ હોવા છતાં, નિગમ દ્વારા હજુ જૂની 10 લાખની મર્યાદા મુજબ જ ચૂકવણું કરાયું છે. કૃષિ વિભાગ દ્વારા 20 લાખની મર્યાદા મુજબ બાકી રકમ ચૂકવવા મંજૂરી અપાઈ હોવા છતાં વહીવટી પ્રક્રિયાના નામે નાણાં ફાળવવામાં આવતા નથી. તેમજ આર્થિક પાયમાલીનો સામનો કરી રહેલા આ નિવૃત્ત કર્મચારીઓએ 2018 બાદના સાતમા પગાર પંચના બાકી લાભો અને 2015થી મંજૂર થયેલા ઉચ્ચતર પગાર ધોરણના નાણાં પણ તાત્કાલિક ચૂકવવા માંગ કરી છે. વધુમાં હાયર પેન્શનના મુદ્દે આશરે 174 જેટલા કર્મચારીઓના ડેટા ઇ.પી.એફ.ઓ. કચેરીમાં અપલોડ કરવામાં નિગમના અધિકારીઓ દ્વારા કરવામાં આવતા વિલંબને કારણે પેન્શનના લાભો પણ અટવાયા છે.
જમીન વિકાસ નિગમના નિવૃત કર્મચારીઓની રજૂઆત છે કે, સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો અને સરકારના ઠરાવો હોવા છતાં વહીવટી તંત્રના ઢીલા વલણને કારણે આ સિનિયર સિટીઝનોને કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. જો આગામી દિવસોમાં આ નાણાકીય પ્રશ્નોનો ઉકેલ નહીં આવે, તો નિવૃત્ત કર્મચારીઓએ ઉગ્ર રજૂઆતની ચીમકી પણ ઉચ્ચારી છે.


