
- ટ્રાફિક પોલીસ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના મુદ્દે રિક્ષાચાલકોએ હડતાળ પાડી હતી,
- મોટર વ્હીકલ એક્ટની કામગીરી માત્ર ટ્રાફિક પોલીસ દ્વારા કરવાની માગ,
- રિક્ષાચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે સુચના અપાઈ
અમદાવાદઃ શહેરમાં પોલીસની કનડગતના આક્ષેપ સાથે ગઈકાલથી રિક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા હતા. અને પોલીસ કમિશનરને પણ રજુઆત કરી હતી. દરમિયાન ટ્રાફિક પોલીસે રિક્ષા યુનિયનના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો કરતા રિક્ષાચાલકોની હડતાળનો અંત આવ્યો છે. રિક્ષા એસોસિએશન દ્વારા પોતાની માંગો મૂકવામાં આવી અને બાદમાં રિક્ષા એસોસિએશન દ્વારા હડતાળ પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદમાં ઓટોરિક્ષા ચાલકોએ ગઈકાલે મંગળવારે હડતાળ પાડી હતી. પોલીસ દ્વારા રિક્ષાચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ઓટોરિક્ષા યુનિયને સોમવારે રાત્રે 12 વાગ્યાથી હડતાળની શરૂ કરી હતી. જોકે, હવે આ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. 24 કલાકની હડતાળ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ અને રિક્ષા એસોસિએશન વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિક્ષા ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે અંગે સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ ટ્રાફિક રિક્ષા એસોસિએશન દ્વારા પોતાની માંગો મૂકવામાં આવી અને બાદમાં રિક્ષા એસોસિએશન દ્વારા હડતાળ પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
રિક્ષાચાલકોનો આક્ષેપ હતો કે, પોલીસ પોતાના અધિકારોનો દુરુપયોગ કરીને તેમને ખોટી રીતે પરેશાન કરે છે. રિક્ષા યુનિયન દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ઓટોરિક્ષાને રોજગારના સાધન તરીકે માન્યતા આપવામાં આવી છે, તેમ છતાં પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરીને ‘ટાર્ગેટ’ પૂરા કરવા માટે વાહનો જપ્ત કરવામાં આવે છે અને ખોટો દંડ ફટકારવામાં આવે છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે, મોટર વ્હીકલ એક્ટની કામગીરી ફક્ત ટ્રાફિક પોલીસ દ્વારા જ થવી જોઈએ, પરંતુ અન્ય પોલીસકર્મીઓ પણ તેમાં દખલગીરી કરી રહ્યા છે. રિક્ષાચાલકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ પ્રકારની કાર્યવાહી ફક્ત ઓટોરિક્ષા સામે જ કરવામાં આવે છે, જ્યારે બાઈક, ટેક્સી, બસ જેવા અન્ય મુસાફર વાહનો સામે કોઈ કાર્યવાહી થતી નથી.