રાજકોટ, 15 ફેબ્રુઆરી-2026: શહેરમાં SIRની કામગીરીથી શિક્ષખો-કર્મચારીઓ ફ્રી પડ્યા ત્યાંજ હવે વસતી ગણતરીની જવાબદારી આવી પડી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે તબક્કે વસતી ગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં પ્રથમ ઘરની ગણતરી કરાશે. લોકોએ અન્ય વિગતો પણ આપવી પડશે. વસતી ગણતરીની કામગીરી માટે રાજકોટ મ્યુનિને 5,000 કર્મચારીઓની જરૂર પડશે. જેની સામે આરએમસી તેમજ આરએમસી સંચાલિત સરકારી શાળાઓ મળી માત્ર 2,500નો સ્ટાફ હાલ ઉપલબ્ધ છે. એટલે જરૂરિયાત કરતા અડધો જ સ્ટાફ ઉપલબ્ધ હોવાથી મ્યુનિના અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા છે.
દેશભરમાં એપ્રિલના ત્રીજા સપ્તાહથી વસતી ગણતરીનો પ્રારંભ થશે. વર્ષ 2011 પછી લાંબા સમયના અંતરાલ બાદ 20 એપ્રિલ-2026થી વસચતી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વસતી ગણતરી માટે અપુરતા સ્ટાફને લીધે ચિતિંત છે. આ વખતે રાજકોટના ભૌગોલિક નકશામાં થયેલા મોટા ફેરફારો અને નવા ભળેલા વિસ્તારોને કારણે કામગીરીનું ભારણ વધ્યું છે. જેની સામે સૌથી મોટો પ્રશ્ન સ્ટાફની અછતનો ઉભો થયો છે. જેને લઈ ખાનગી શાળાઓના સ્ટાફની મદદ લેવા સહિતના અન્ય પાસાઓ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવી રહી છે.
આરએમસીના સૂત્રોના કહેવા મુજબ, આગામી વસ્તી ગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં વિભાજિત કરાઈ છે. આ વખતે ગણતરીની પદ્ધતિમાં પેપરવર્કને બદલે સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં માત્ર હાઉસ લિસ્ટિંગ કરવામાં આવશે. આ પછી ફેબ્રુઆરી 2027માં વાસ્તવિક વસ્તી ગણતરી કરવામાં આવશે. જેમાં દરેક વ્યક્તિની વિગતવાર માહિતી જેવી કે, ઉંમર, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય અને અન્ય જાણકારી એકત્ર કરવામાં આવશે. ત્યારબાદ વસ્તી ગણતરીનું સાચું પરિણામ સામે આવશે. માઈક્રો પ્લાનિંગ મુજબ, જેમાં આરએમસીનો પોતાનો સ્ટાફ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓના શિક્ષકો અને આચાર્યોનો સમાવેશ થાય છે. આમ, જરૂરિયાત કરતા 50 ટકા સ્ટાફ ઓછો હોવાને કારણે કામગીરી સમયસર પૂર્ણ થશે કે કેમ તે બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વસ્તી ગણતરી એ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાની પ્રક્રિયા છે, જો સ્ટાફ ઓછો હોય તો એક કર્મચારી પર કામનું ભારણ વધે છે અને ડેટાની ચોકસાઈ પર પણ તેની અસર પડી શકે છે. આ સ્ટાફની ઘટ પૂરી કરવા માટે હવે મ્યુનિના તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે.


