અમદાવાદના બોડકદેવમાં વેપારીના બંગ્લામાં ત્રાટક્યા લૂંટારૂઓ, ચાકુની અણીએ ચલાવી 23 લાખની મતાની લૂંટ
અમદાવાદ: શહેરના પોશ મનાતા બોડકદેવ વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ લૂંટારાઓએ વેપારીના ઘરમાં ઘુસ્યા હતા અને તિક્ષણ હથિયાર બતાવીને વેપારી અને તેમના પત્નીને બંધક બનાવ્યાં હતા. જે બાદ ઘરમાંથી સોના-હીરાના દાગીના, ઘડિયાળ અને રોકડ મળી કુલ 22.91 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ગુનો નોંધીને લૂંટારુઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બોડકદેવ પોલીસ સ્ટેશનમાં વેપારી ભરત શાહે લૂંટ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, 27 ઓક્ટોબરની મધરાતે ભરત શાહ અને તેમની પત્ની પલ્લવી શાહ થલતેજ-શિલજ રોડ પર આવેલા આર્યમન બંગલોઝમાં પોતાના ઘરે સૂઈ ગયા હતા. દરમિયાન લગભગ 1.30 વાગ્યે ભરત શાહ બાથરૂમ જવા માટે ઊઠ્યા, અને પાછા આવ્યા ત્યારે તેમને રૂમનો દરવાજો ખુલ્લો જણાયો હતો. થોડી જ વારમાં બે બુકાનીધારી વ્યક્તિઓ ચપ્પુ જેવા હથિયાર સાથે રૂમમાં ઘૂસી આવ્યા હતા. દરમિયાન પલ્લવી શાહ જાગતા ત્રીજો એક લૂંટારો પણ અંદર આવ્યો અને દંપતીને ધમકી આપી કે અવાજ કર્યો તો જાનથી મારી નાખીશું. જે બાદ લૂંટારાઓએ પલ્લવી શાહને કબાટ ખોલવા મજબૂર કર્યા હતા. જેમાં રાખેલી લોખંડની તિજોરીમાંથી દાગીના અને રોકડ લૂંટી લીધી હતી. લૂંટારાઓએ જતાં પહેલાં દંપતીને ચેતવણી આપી કે, જો પોલીસે જાણ કરવામાં આવશે તો તેમને જીવથી મારી નાખશે. ડરના કારણે દંપતી સવાર સુધી રૂમમાં જ બંધ રહ્યું હતું. સવારે 5 વાગ્યે બહાર આવી ગાર્ડને જાણ કરી હતી.
લૂંટની ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ઘરની પાછળના ભાગની બારીનો કાચ તૂટેલો હતો, જેના મારફતે લૂંટારાઓ ઘરમાં ઘૂસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં ત્રણેય લૂંટારાઓ પાછળની દીવાલ કૂદીને બારી તોડી અંદર પ્રવેશતા અને લગભગ બે કલાક બાદ ચોરીનો માલ લઈને બહાર નીકળતા જોવા મળ્યા છે.


