ધ્રાંગધ્રા-કુડા રોડ પરનો નર્મદા કેનાલનો બ્રિજ બંધ કરાતા મીઠાના ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા
- ખારાઘોડાના રણ વિસ્તારમાં વર્ષે 2 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે
- કેનાલનો બ્રિજ છેલ્લા 6 મહિનાથી બંધ કરાયો છે
- બે દિવસથી ડાયવર્ઝન પણ બંધ કરીને SRPનો બંદોબસ્ત મુકી દેવાયો
સુરેન્દ્રનગરઃ Dhrangadhra-Kuda Road, Narmada Canal Bridge closed, salt producers in trouble કચ્છના નાના રણ તરીકે ઓળખાતા જિલ્લાના ખારાઘોડા પાટડી અને ઝિંઝુવાડા વિસ્તારમાં હાલ મીઠું પકવવાની સીઝન ચાલી રહી છે. રણ વિસ્તારમાંથી ટ્રકો દ્વારા મીઠાનું વહન કરવામાં આવતું હોય છે. ત્યારે કુડાથી ધ્રાંગધ્રા વચ્ચે નર્મદા કેનાલનો બ્રિજ બંધ થવાથી અને ડાયવર્ઝન પર SRP બંદોબસ્ત ગોઠવાતા મીઠાનું વહન અટકી પડતા મીઠાના ઉત્પાદકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખારાઘોડામાં આશરે રૂ. 25 કરોડનું 2 લાખ મેટ્રિક ટન મીઠું ફસાયું છે.
કચ્છના નાના રણમાં ચાલુ વર્ષે મે મહિનામાં મીઠું ખેંચવાની સીઝન દરમિયાન કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે રણમાંથી ખારાઘોડા આવવા-જવાનો રસ્તો બંધ થયો હતો. પરિણામે, આશરે રૂ. 30 કરોડનું મીઠું ધ્રાંગધ્રા નજીક કુડાના નિમકનગર ખાતે લઈ જઈને ગંજા બનાવવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ધ્રાંગધ્રા-કુડા વચ્ચેનો નર્મદા કેનાલ બ્રિજ છેલ્લા છ મહિનાથી બંધ કરાયો છે. આ બ્રિજનું સમારકામ હજુ સુધી શરૂ થયું નથી. ત્યારે સ્થાનિક લોકોએ એક કાચું ડાયવર્ઝન બનાવ્યું હતું, જેના દ્વારા કુડાના નિમકનગરથી ખારાઘોડા ટ્રકો મારફતે મીઠું લાવવામાં આવતું હતું. જોકે, તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી આ ડાયવર્ઝન પણ બંધ કરી દેવાયું છે અને SRP જવાનોનો બંદોબસ્ત ગોઠવી રસ્તો સંપૂર્ણપણે બંધ કરાયો છે. આ સ્થિતિને કારણે ખારાઘોડાના વેપારીઓનું આશરે રૂ. 25 કરોડનું 2 લાખ મેટ્રિક ટન મીઠું હજુ પણ કુડાના નિમકનગરમાં પડ્યું છે. અગરિયાઓને નાણાં ચૂકવવા માટે આ મીઠું ખારાઘોડા લાવીને વેચવું વેપારીઓ માટે અનિવાર્ય છે, જેથી મીઠું ફસાઈ જતાં તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આ અંગે ખારાઘોડા સોલ્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ હિંગોર રબારીએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, તંત્રના આ નિર્ણયથી મીઠું અન્ય કોઈ જગ્યાએ વેચી શકાય તેવો કોઈ રસ્તો ઉપલબ્ધ નથી. તેમણે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે અને ચેતવણી આપી છે કે, જો તંત્ર દ્વારા તાત્કાલિક ટ્રકો ચાલી શકે તેવો રસ્તો ચાલુ કરવામાં નહીં આવે તો મીઠાના વેપારીઓને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.


