ગુજરાત ટુરીઝમના વર્ષોથી બંધ પડેલા બેન્ક ખાતામાંથી 2 કરોડ ટ્રાન્સફરનું કૌભાંડ પકડાયું
- યુનયન બેન્કના સસ્પેન્ડેડ બ્રાંચ મેનેજરનું કારસ્તાન
- ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- ટુરિઝમના બે અધિકારીઓની ખોટી સહી કરી બંધ ખાતાને એક્ટિવેટ કરાયું
ગાંધીનગરઃ બેન્ક કર્મચારીઓ દ્વારા ફ્રોડના બનાવો વધી રહ્યા છે. રાજકોટમાં બેન્કમાં ગિરવે મુકેવું સોનું ગાયબ થઈ જવાની ઘટના તાજી જ છે. ત્યાં ગાંધીનગરમાં કુડાસણ સ્થિત યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં સરકારી નાણાંની ઉચાપતનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. ગુજરાત ટુરીઝમ વિભાગના વર્ષોથી બંધ પડેલા ‘નવરાત્રી ફેસ્ટિવલ-2003’ ના ખાતાને ખોટી રીતે એક્ટિવેટ કરી તેમાંથી 2 કરોડ 2 લાખ 78 હજારથી વધુની રકમ એક ખાનગી ટ્રેડર્સના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાના કૌભાંડ મામલે સસ્પેન્ડેડ બ્રાંચ મેનેજર અને ખાનગી ટ્રેડર્સ વિરુદ્ધ ખોટા લેટરો અને સહીઓ દ્વારા સરકારી નાણાં સગેવગે કરવાનો ગુનો ઇન્ફોસિટી પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર કૌભાંડ અંગે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી રિજિયોનલ મેનેજર કે.આર. નાગરાજે સસ્પેન્ડેડ બ્રાંચ મેનેજર હિમાંશુ ઝદોન ( રહે. સત્યમેવ આવાસ મેંગો, કુડાસણ) અને ટ્રેડર્સ રીતેશ ધીરજલાલ શેઠ (રહે.સુદર્શન ટાવર સોમેશ્વર પાર્ટ 3, થલતેજ)વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ બેંકની તપાસમાં ખુલાસો થયો છે કે 17 નવેમ્બર 2025ના રોજ ગુજરાત ટુરીઝમ વિભાગના નામે એક બનાવટી લેટર રજૂ કરવામાં આવ્યો હતો. આ લેટરમાં બે અધિકારીઓની ખોટી સહીઓ અને બે વ્યક્તિઓના આધાર કાર્ડ જોડીને બંધ (નોન એક્ટિવ) ખાતું એક્ટિવેટ કરાવવામાં આવ્યું હતું. આ લેટર બ્રાંચ મેનેજર હિમાંશુ ઝદોને પોતે જ રિસીવ કર્યો હતો. આ ખાતું એક્ટિવેટ થતાની સાથે જ તેમાંથી કરોડો રૂપિયા RTGS દ્વારા અમદાવાદની ધનલક્ષ્મી બેંકમાં આવેલા ‘ટયુ-પે ટ્રેડર્સ’ (Tyu-Pay Traders) ના ખાતામાં મોકલી દેવાયા હતા. જોકે બેંકના ઉચ્ચ અધિકારીઓએ જ્યારે તપાસ કરી ત્યારે મેનેજર હિમાંશુના ઓફિશિયલ ઈ-મેઈલ આઈડી પરથી તેના પર્સનલ ઈ-મેઈલ પર આ કૌભાંડને લગતી ફાઈલો મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે ટુરીઝમ વિભાગની ઓફિસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ,વિભાગ દ્વારા આવો કોઈ લેટર આપવામાં આવ્યો નથી અને સહીઓ પણ બનાવટી છે.
કૌભાંડના મુખ્ય સૂત્રધાર હિમાંશુને ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ તા.4/12/2025 ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતો. જે ખાતામાં રૂપિયા જમા થયા હતા એ રીતેશ ધીરજલાલ શેઠે બેંકની પૂછતાછમાં પહેલા ઠાગાઠૈયા કર્યા હતા. બાદમાં અંદાજે 36.50 લાખ પરત કર્યા હતા.પરંતુ બાકીની રકમ પરત ન કરી ન હતી. આ અંગે ઇન્ફોસિટી પોલીસે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો બનાવવા અને સરકારી નાણાંની ઉચાપત કરવા બદલ બંને ભેજાબાજો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


