- હાઈવેની હોટલો-ધાબાઓ પર પેટ્રોલ- ડીઝલ ભરેલા ટેન્કરોમાંથી ચોરીનું રેકેટ ચાલતુ હતું,
- ટેન્કરના સીલ તોડીને પેટ્રોલ-ડીઝલ કાઢ્યા બાદ નવા સીલ લગાની દેતા હતા,
- 20 હજાર લીટરના ટેન્કરમાં 100થી 150 લીટર કાઢે તો કોઈને ખબર પડતી નહોતી
સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક કટારીયા ગામ નજીક આવેલા યુપી-બિહાર-મહારાષ્ટ્ર ઢાબા અને હોટલો પર પેટ્રોલ અને ડીઝલના ટેન્કરોમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી થતી હોવાની બાતમી મળતા જિલ્લા એલસીબી પોલીસે રેડ પાડીને 6 શખસોને ઝડપી લીધા હતા. પોલીસે કુલ ₹1,06,17,295ના મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ રેકેટમાં ટેન્કરચાલક અને હોટલ-ધાબાના સંચાલકોની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
જિલ્લા એલ.સી.બી. ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે લીંબડી હાઈવે પરની હોટલો અને ઢાબાઓ પર રેડ પાડવામાં આવી હતી. સ્થળ પરથી પ્લાસ્ટિકના બેરલમાંથી 850 લિટર પેટ્રોલ (₹79,900) અને 1050 લિટર ડીઝલ (₹94,500) જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બે ટ્રક (₹40 લાખ), બે બોલેરો પીકઅપ વાહન (₹10 લાખ), એક સ્કોર્પિયો કાર (₹15 લાખ), ₹1,81,500 રોકડા અને છ મોબાઈલ ફોન (₹50,000) પણ જપ્ત કરાયા હતા.
લીંબડી નેશનલ હાઇવે ઉપર કટારીયા પાસે એલસીબીની ટીમે દરોડો કરીને રૂ.1.6 કરોડના મુદ્દામાલ સાથે 6 આરોપીને પકડી લીધા હતા. ત્યારે ટેન્કર ચાલક અને હોટલ સંચાલકો ટેન્કરનું સીલ તોડીને માલ કાઢી લેતા હતા. ત્યાર બાદ ડુપ્લિકેટ સીલ મારી દેતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ડીએસપી પ્રેમસુખ ડેલુની સુચનાથી અને અજયસિંહ ઝાલાની બાતમી આધારે પાડવામાં આવેલા દરોડામાં બીજી મહત્વની બાબત એ છે કે આજથી બે વર્ષ પહેલા એસઓજીએ પણ આ જ હોટલ ઉપર દરોડો પાડીને ડિઝલ અને પેટ્રોલ ચોરીનો પડદાફાશ કર્યો હતો.
આ કેસમાં પોલીસે રામકૃપાલ રાજેન્દ્રપ્રસાદ યાદવ (સુરત), શિરાજભાઈ મેમુદભાઈ ટીબલીયા (રળોલ, લીંબડી), શૈલેષસિંહ ભરતસિંહ ગોહિલ (વસ્તડી, વઢવાણ), ચેતનભાઈ મફાભાઈ જોગરાણા (રાણાગઢ, લીંબડી), ગંભુભાઈ લાભુભાઈ મેણીયા (કટારીયા, લીંબડી) અને હોટલ સંચાલક જય ઉર્ફે જયરાજ ભૂપતભાઈ રાઠોડ (ચુડા) સહિત છ આરોપીઓની ધરપકડ કરી છે.
એલસીબી પીઆઇ જે.જે.જાડેજાએ જણાવ્યું કે, કંપનીમાંથી ડ્રાઇવર અને કંડકટર 20 હજાર લીટરની ક્ષમતા વાળે ટેન્કર ભરીને નિકળતા હોય છે.આવી હોટલોના સંચાલકો સાથે તેમનુ સેટીંગ હોય છે. હોટલ હોય ટ્રકો ઉભી રહે તો કોઇને શંકા પણ નથી જતી. ટ્રકમાંથી અંદાજે 100 થી 150 લીટર સુધી પેટ્રોલ અને ડિઝલ કાઢી લેતા હોય છે. ટેન્કરમાં મોટી માત્રામાં ડિઝલ પેટ્રોલ ભરેલુ હોવાથી આટલો સામાન કાઢી લે તો ખાલી કરતા સમયે કોઇને ખબર પડતી નથી. હોટલ માલિકો સામાન્ય રીતે ટેન્કર ચાલકો પાસેથી રૂ.60થી 65ના ભાવે ડિઝલ અને પેટ્રોલની ચોરી કરતા હોય છે. તેના ઉપર રૂ.25નો નફો ચડાવીને આજુ બાજુના ગામમાં ખેડૂતો તથા લોકોને તે ડિઝલ વેચતા હોય છે. ખરીદનારને પણ રૂ.15થી 20નો ફાયદો થતો હોય છે.


