ભાવનગર, 11 માર્ચ 2026: Sewage plant in a closed condition જિલ્લાના વલ્લભીપુર શહેરમાં પાણી પુરવઠા બોર્ડ કચેરી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેટલો ઉપયોગી નિવડશે તેના સામે સવાલો ઊઠ્યા છે. હાલ સુએજ પ્લાન્ટને તાળાં લાગેલા જોવા મળી રહ્યા છે. પ્લાન્ટનું કામ પૂર્ણ થયાને અંદાજે બે વર્ષ થયા છતા તેનો મુળભૂત હેતુબર આવી શકયો નથી.સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગટરના પાણીને કેમીકલ અને વૈજ્ઞાનિક ઢબે બેકટરીયા રહિત શુધ્ધિકરણ કરવામાં માટેનો પ્લાન્ટ છે અને ગટરનુ પાણી શુધ્ધ કરી તેને ખેડૂતો પોતાના ખેતરમાં પિયત કરવા માટે આ પાણીનો ઉપયોગ કરી શકે અને શહેરમાં પર્યાવરણનું જતન કરવા વૃક્ષોને પાણી પાવા માટે પણ ઉપયોગ કરી શકાય પરંતુ એકપણ બાબતે ઉપયોગ કરી શકાયો નથી તે વાસ્તવિકતા છે.
વલ્લભીપુરમાં કલ્યાણપુર રોડ પર પાણી અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તક આજથી બે-ત્રણ વર્ષ પહેલા એટલે કે, 2022-23 ના વર્ષ દરમિયાન રૂ.આઠ કરોડ કરતા વધુ રકમના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. અને આ પ્લાન્ટનો મુળ હેતુ વલભીપુર નગરપાલિકા શહેરી વિસ્તારનું ગટરનું પાણી શુધ્ધિકરણ કરી ખેતી તેમજ પર્યાવરણ વૃક્ષોના ઉછેર માટે કરવું તેવા ઉમદા હેતુ માટે જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. પ્લાન્ટનું કામ પૂર્ણ થયાને અંદાજે બે વર્ષ થયા છતા તેનો મુળભૂત હેતુબર આવી શકયો નથી.
સુત્રોના કહેવા મુજબ સુએજ પ્લાન્ટ જો શરૂ રહે તો તેના મેન્ટેનન્સ પાછળ કર્મચારીઓનો પગાર, વીજળી બીલ તેમજ પાણીને શુધ્ધ કરવા માટે કેમીકલ્સની ખરીદી પાછળનો ખર્ચ પણ કરવો પડે જે ખાનગી એજન્સીને નફાનો માર્જીન નહીવત બચે. પ્લાન્ટને નિયમ મુજબ 12 કલાક સુધી શરૂ રાખવો પડે આ બધી જફામાંથી છુટવા માટે પ્લાન્ટ આભાસી રીતે ખુલ્લો જણાય અને અંદરના ભાગે તાળા લટકતા હોય છે. હાલમાં તો આ પ્લાંન્ટ શરૂ છતા બંધ જેવી હાલત છે.


