દિલ્હી બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો : વિસ્ફોટ પહેલા કાર 3 કલાક મસ્જિદ પાસે ઉભી હતી
નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં થયેલા ભયાનક કાર બ્લાસ્ટની તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી માહિતી હાથ લાગી છે. ઘટનાસ્થળ નજીકના CCTV ફૂટેજ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, જે હ્યુન્ડાઈ i20 કારમાં વિસ્ફોટ થયો હતો, તે કાર ઘટનાના પહેલા એક મસ્જિદ પાસેની પાર્કિંગમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી ઉભી હતી.
પોલીસ મુજબ, કારએ 10 નવેમ્બરના બપોરે 3:19 વાગ્યે પાર્કિંગમાં પ્રવેશ કર્યો હતો અને સાંજે 6:48 વાગ્યે પાર્કિંગમાંથી નીકળી હતી. માત્ર ચાર મિનિટ બાદ, એટલે કે સાંજે 6:52 વાગ્યે, સુભાષ માર્ગની લાલબત્તી નજીક કારમાં વિસ્ફોટ થયો હતો. આ ભયાનક વિસ્ફોટમાં આસપાસ ઉભેલા અનેક વાહનોને પણ આગની ચપેટમાં લીધા હતા.
ઘટના સ્થળ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક હતું, જ્યાં સાંજે અચાનક જોરદાર ધડાકા સાથે કાર ફાટી નીકળી હતી. વિસ્ફોટ એટલો વિકરાળ હતો કે દસ લોકોના મોત થયા અને 24 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસમાં જાણવા મળ્યું છે કે કાર પાર્ક થયા પછી સંદિગ્ધ વ્યક્તિ બહાર આવ્યો ન હતો. અનુમાન છે કે તે કોઈના સૂચન અથવા ઈશારા માટે રાહ જોઈ રહ્યો હતો. તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે વિસ્ફોટ પાછળ કોણે યોજના બનાવી અને શંકાસ્પદ વ્યક્તિ સાથે અન્ય કોનો સંપર્ક હતો.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાલમાં CCTV ફૂટેજ, ફોન કોલ રેકોર્ડ અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓની તપાસ કરી રહી છે, જેથી આગામી સમયમાં આ કેસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.


