
- 40 વર્ષ જુના કવાટર્સ જર્જરિત બનતા ખાલી કરાવાયા છે,
- નવા હાઈરાઈઝ બિલ્ડિંગો બનાવવા માટે સરકારે મંજુરી આપી દીધી છે,
- સેકટર 28 અને 29માં પણ કર્મચારીઓને રહેવા માટે બહુમાળી મકાનો બનાવાશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ તેમજ બોર્ડ-નિગમની કચેરીઓ આવેલી છે. કર્મચારીઓને રહેવા માટે સરકાર દ્વારા ક્વાટર્સ ફાળવવામાં આવતા હોય છે. હાલ પાટનગરમાં સરકારી ક્વાટર્સની અછત હોવાને લીધે કર્મચારીઓનું વેઈટિંગ લિસ્ટ વધતું જાય છે. શહેરમાં અગાઉ 4 દાયકા જુના અને જર્જરિત થયેલા સરકારી ક્વાટર્સ ખાલી કરાવવામાં આવ્યા છે. અને જુના ક્વાટર્સને તોડીને તેના સ્થાને કર્મચારીઓ માટે બહુમાળી મકાનો બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં રાજ્ય સરકારે સેકટર 28 અને 29માં પણ બહુમાળી આવાસ બનાવવાને મંજુરી આપી છે. પણ નવા મકાનો બની રહે ત્યાં સુધી કર્મચારીઓએ પ્રતિક્ષા કરવી પડશે,
પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ તેના પરિવાર સાથે વસવાટ કરી શકે તે માટે વિવિધ કેટેગરીના સરકારી આવાસો બનાવવામાં આવ્યા છે. 5 દાયકા જૂના આવાસો જર્જરીત બનીને ભયજનક જાહેર થયા બાદ હવે તોડવામાં આવી રહ્યા છે ત્યારે શહેરમાં સરકારી આવાસોની મોટી ઘટ વર્તાઇ રહી છે. નવા મકાન બનાવવાનું આયોજન થઇ રહ્યું છે પરંતુ તેના નિર્માણમાં સમય લાગે છે ત્યારે હાલ શહેરમાં સરકારી આવાસ માટેની પ્રતીક્ષા યાદીમાં 4 હજારથી વધુ કર્મચારી છે. જેઓ પોતાને સરકારી આવાસ મળે તેની રાહ જોઇ રહ્યા છે.
સૂત્રોના કહેવા મુજબ અગાઉ આવાસ ઇચ્છુક કર્મચારીઓની આ યાદી 7 હજારની આસપાસ પહોંચી હતી, પરંતુ વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને કારણે તેમાં સુધારો જોવા મળ્યો છે. સૌથી વધુ માંગ ચ અને ”જ કક્ષાના આવાસોની છે. આ બંને કક્ષાના આવાસો માટે જ લગભગ 3,200 કર્મચારીઓ પ્રતિક્ષા યાદીમાં સામેલ છે, આ બન્ને કક્ષાના આવાસોની જરૂરિયાત સૌથી વધુ છે.