
- સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર નાયકાવાલા અને નિવૃત અધિકારી થોરાટના વોરંટ ઇસ્યુ,
- જવાબદાર અધિકારીઓના ઘર અને ઓફિસમાં ACB રેડ કરશે,
- અધિકારીઓએ એકત્ર કરેલી અપ્રમાણસરની મિલકતો અંગેના પુરાવા એકત્ર કરાશે,
વડોદરાઃ પાદરા નજીક મહિ સાગર નદી પરના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એસીબી તેમજ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન કમિટી (SIT) દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગઇકાલે સસ્પેન્ડ એક અધિકારીનું નિવેદાન લેવાયું હતું. જ્યારે સસ્પેન્ડ કરાયેલા કાર્યપાલક ઈજનેર એન એમ નાયકાવાલા તથા નિવૃત અધિકારી કે બી થોરાટને વડોદરા ACB દ્વારા વોરંટ બજાવવામાં આવ્યાં છે.
વડોદરા અને આણંદ જિલ્લાના જોડતા મુજપુર નજીક મહિસાગર નદી પરનો ગંભીર બ્રિજ તાજેતરમાં વચ્ચેથી તુટી જવાના કારણે 21 નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા હતા. જેના કારણે આ ઘટનાના ગંભીર રીતે બેદરકારી દાખવનારા જવાબદાર અધિકારી એન.એમ.નાયકાવાલા કાર્યપાલક ઇજનેર, યુ.સી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર અને આર.ટી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર તથા જે.વી.શાહ, મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. જ્યારે આ ગુનામાં અન્ય નિવૃત અધિકારી કે. બી. થોરાટનો પણ સમાવેશ થાય છે.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાન રાખીમાં સરકાર દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોને ઘનિષ્ઠ તપાસ કરવા માટે સુચના આપવામાં આવી હતી. જેથી મકરંદ ચૌહાણ, સંયુક્ત નિયામક, પી.એચ. ભેસાણીયા, એ. એન. પ્રજાપતિ, આર. બી. પ્રજાપતિ, એ. જે. ચૌહાણ અને એમ. જે. સિંદે સંચાલિત ગુનાની તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન કમિટી (SIT)ની રચના કરાઇ હતી. આ કમિટી દ્વારા દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. એસીબી દ્વારા સસ્પેન્ડેડ એન એમ નાયકાવાલા તથા રિટાયર્ડ થયેલા કાર્યપાલક ઇજનેર કે બી થોરાટને વોરંટ ઇસ્યુ કરાયું હતુ પરંતુ, કે બી થોરાટ વિદેશમાં હોવાનું કહેવાય છે. 5 અધિકારી વિરૂદ્ધ સરકાર તરફથી સત્તાનો દુરઉપયોગ કર્યા બાબત અને ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર અંગે મિલકતો વસાવી હોય તેની તપાસ માટે સરકાર તરફથી બે જુદા-જુદા આદેશો આપવામાં આવ્યા હતા અને ACBને તપાસ સોંપવામાં આવી છે. આ મામલે સંયુક્ત નિયામકની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. આ SITદ્વારા કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. તમામના રહેઠાણ અને ઓફિસમાં રેડ કરવામાં આવશે અને તેમના વતન સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવશે.