
ઈલેક્ટ્રિક વાહનોમાં અવાજ ચેતવણી સિસ્ટમ ફરજિયાત : કેન્દ્ર સરકારનો નિર્ણય
નવી દિલ્હી : માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક મહત્વનો નિર્ણય લઈને ઈલેક્ટ્રિક વાહનો માટે ‘ધ્વનિક વાહન ચેતવણી પ્રણાલી’ (AVAS) ફરજિયાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિયમ નવા ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ મોડલો માટે 1 ઓક્ટોબર, 2026 થી લાગુ થશે, જ્યારે હાલના ચાલતા મોડલોમાં આ સિસ્ટમ 1 ઓક્ટોબર, 2027 સુધીમાં લગાવવી ફરજિયાત રહેશે. જેના કારણે ઈ-વાહનોના અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
ઈલેક્ટ્રિક વાહનો ઓછી ગતિએ લગભગ અવાજ વિના ચાલે છે. જેના કારણે ખાસ કરીને પગપાળા ચાલતા લોકો અને દૃષ્ટિહીન વ્યક્તિઓને તેનો ખ્યાલ ન આવતો હોવાથી અકસ્માતનું જોખમ વધી જાય છે. આ સમસ્યાના નિવારણ માટે હવે તમામ ઈલેક્ટ્રિક કાર, બસ અને ટ્રકોમાં AVAS સિસ્ટમ લગાવવી ફરજિયાત બનાવાઈ છે. આ પ્રણાલી સ્પીકરો થકી કૃત્રિમ અવાજ ઉત્પન્ન કરશે. વાહનની ગતિ અને દિશા પ્રમાણે અવાજની તીવ્રતા બદલાશે, જેથી રસ્તા પર ચાલતા લોકોને વાહનની હાજરીની જાણ સરળતાથી થઈ શકે.
મંત્રાલયે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, એમ અને એન કેટેગરીના તમામ ઈલેક્ટ્રિક વાહનો આ નિયમ હેઠળ આવશે. અમેરિકા, જાપાન અને યુરોપિયન યુનિયન સહિતના ઘણા દેશોમાં પહેલેથી જ આ પ્રકારની ધ્વનિ ચેતવણી પ્રણાલી ફરજિયાત છે. આ નિર્ણયથી ભારતમાં પણ ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગ દરમિયાન સલામતીમાં વધારો થવાની અપેક્ષા છે. દેશમાં છેલ્લા કેટલાક વર્ષથી ઈ-વાહનનું ચલણ વધ્યું છે અને લોકો ઈ-વાહન તરફ આકર્ષાય તે માટે સરકાર દ્વારા પણ વિવિધ યોજનાઓ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે.