વાવ-થરાદ, 26 જાન્યુઆરી 2026: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વેની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું. તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી. રાજ્યકક્ષાની ઊજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળથી રાષ્ટ્રીય પર્વોની રાજ્યકક્ષાની ઉજવણી જુદા-જુદા જિલ્લાઓમાં જનભાગીદારીથી કરવાની શરૂ કરાવેલી નવતર પરંપરા અનુસાર 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં થઈ હતી.
થરાદમાં સવારે 9 વાગે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, ત્યારબાદ પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉજવણીથી વાવ–થરાદ, સુઈગામ સહિતના અંતરિયાળ અને સીમાડા વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ, રોજગાર, યુવા વિકાસ અને ખેતીવાડી ક્ષેત્રે વિકાસને નવી દિશા આપી. 77માં પ્રજાસત્તાક પર્વ લોકભાગીદારી અને વિકાસના પ્રતીક રૂપે જિલ્લાવાસીઓ માટે યાદગાર બની રહી હતી.
રવિવારે 25 જાન્યુઆરીએ મુખ્યમંત્રીના આગમન સાથે સેવા સદન, ગૌમાતા સર્કલ અને દૂધવા જીઆઇડીસીના ભૂમિપૂજન, નારી સશક્તિકરણ કાર્યક્રમ તેમજ ગૌભક્તો સાથે સંવાદ જેવા કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત રાજ્યપાલની અધ્યક્ષતામાં થરાદના મલુપુર ખાતે એટ હોમ કાર્યક્રમ અને સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન પણ કરાયું હતું.
પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે અમદાવાદના શાહીબાગ સ્થિત શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ, શાહીબાગ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા રાષ્ટ્રીય ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉજવણી દરમિયાન ફરજ પ્રત્યે ઉત્તમ કામગીરી કરનાર અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કુલ 12 ટીમો દ્વારા પરેડ કમાન્ડરના નેતૃત્વ હેઠળ શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી


