રાજકોટ,18 જાન્યઆરી 2026: પાટનગર ગાંધીનગરથી રાજકોટ સુધીની એસટીની વાતાનુકૂલિત લકઝરી બસ સેવા આગામી તા. 20મી જાન્યુઆરીથી શરૂ કરાશે. રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા ગાંધીનગર માટે પ્રથમ એ.સી. સીટર બસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટથી લકઝરી એસટી બસ ઉપડવાનો સમય સાંજે 4 વાગ્યે અને ગાંધીનગરથી ઉપડવાનો સમય સવારે 7.30 વાગ્યાનો નક્કી કરાયો છે. હાલ પ્રીમિયમ સર્વિસમાં રાજકોટથી ગાંધીનગર જવા માટે માત્ર વહેલી સવારની 2 વોલ્વો બસ જ હતી. જેના લીધે ગાંધીનગર વડી કચેરીઓએ પોતાના કામ અર્થે જવા માંગતા પ્રવાસીઓને તકલીફ પડતી હતી. જોકે, હવે રાજકોટથી ગાંધીનગરની સાંજની ડેઈલી સર્વિસ શરૂ થતા પ્રવાસીઓને ફાયદો થશે.
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ હેઠળના રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા રાજકોટ-ગાંધીનગરની નવી વાતાનુકૂલિત સીટર બસ શરૂ કરવામાં આવશે. જેનું ફ્લેગઓફ રાજકોટ એસ.ટી. બસપોર્ટ ખાતેથી 20 જાન્યુઆરીના મંગળવારના બપોરે 4 વાગ્યે ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ દ્વારા કરવામાં આવશે. હાલ રાજકોટ-ગાંધીનગર વચ્ચે સવારે 5 અને 5.30 વાગ્યે વોલ્વો દોડે છે. જોકે રાજકોટ-ગાંધીનગર વચ્ચે 20મી જાન્યુઆરીથી પ્રથમ એસ.ટી. સીટર બસ શરૂ કરાશે. જે દરરોજ સાંજે 4 વાગ્યે રાજકોટથી ઉપડશે અને ચોટીલા હાઈ-વે, સાયલા, લીંબડી, બગોદરા, ઇસ્કોન, નેહરુનગર, રાણીપ થઈ ગાંધીનગર બસ સ્ટેશન પહોંચશે. જેનું ભાડું રૂ.452 રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા 10 વોલ્વો સીટર સર્વિસનું સંચાલન થાય છે. જેમાં અમદાવાદ, બરોડા, ભુજ અને નાથદ્વારા રૂટ છે. જ્યારે 20 એ.સી. સીટર બસ ભાવનગર, દીવ, ઉના, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, જામનગર-જુનાગઢ, મુન્દ્રા, મહુવા, દ્વારકા તથા અંબાજી રૂટ પર દોડે છે. આ ઉપરાંત 23 ઇલેક્ટ્રીક એસી બસ દોડે છે. જેમાં જામનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ (હીરાસર) ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ જુનાગઢ-સોમનાથ રૂટનો સમાવેશ થાય છે.


