રખડતા કુતરાઓ મુદ્દે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી, કેન્દ્ર અને રાજ્ય સરકારોને કરી આકરી ટકોર
નવી દિલ્હીઃ દેશભરમાં વધતા રખડતા કૂતરાઓના હુમલાના કેસોને લઈને સુપ્રીમ કોર્ટએ નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટએ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વકીલોને ઠપકો આપતા કહ્યું કે, “તમે લોકો સમાચાર નથી જોયા? સોશિયલ મીડિયા તો જુઓ, દેશભરમાં શું થઈ રહ્યું છે. આ મુદ્દાને મજાક બનાવી રાખ્યો છે, લોકો ખૂબ પરેશાન છે.”
જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે સતત આવારા કૂતરાઓના હુમલાની ઘટનાઓ બની રહી છે, જેના કારણે વિદેશોમાં પણ ભારતની છબી ખરાબ થઈ રહી છે. તેમણે કહ્યું, “અમે પણ સમાચાર વાંચીએ છીએ, સતત આવી દુર્ઘટનાઓ થઈ રહી છે અને સરકારો આંખ મીંચીને બેઠી છે.” કોર્ટએ આ મુદ્દે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે અને તમામ રાજ્યોના મુખ્ય સચિવોને 3 નવેમ્બરના રોજ વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો કે, કોર્ટના અગાઉના આદેશ બાદ પણ હજુ સુધી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પોતાનો જવાબ કેમ રજૂ કર્યો નથી. કોર્ટએ કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ નોટિસ જારી કરી છે અને કેન્દ્ર સરકારને પણ ફટકાર લગાવી છે.
દેશના વિવિધ ભાગોમાં આવારા કૂતરાઓના હુમલાના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કેટલાક કેસોમાં મોત પણ થયા છે. હવે સુપ્રીમ કોર્ટએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો સરકારો યોગ્ય કાર્યવાહી નહીં કરે તો કડક પગલાં લેવામાં આવશે.


