- સાયબર ફ્રોડ ગેન્ગ APK ફાઈલથી ફ્રોડની ચક્કર ખવડાવતી માયાજાળ રચતા,
- સાયબર ફ્રોડ અભણ ગેંગે દેશભરના 179થી વધુ લોકોને શિકાર બનાવ્યા હતા,
- જામતારા ગેંગના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા પોલીસને તેની જ ઇન્સ્ટાગ્રામ રીલ કામે લાગી
સુરતઃ દેશમાં સાયબર માફિયા દ્વારા થતા ફ્રોડમાં ઝારખંડમાં આવેલુ જામતારા પંકાયેલુ છે. ગામના યુવાનો સાબર ફ્રોડમાં માસ્ટર માઈન્ડ ગણાય છે. જામતારીની અભણ ગેંગે દેશભરના 179થી વધુ લોકોને શિકાર બનાવ્યા છે. ત્યારે સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગેન્ગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. એક કરોડથી વધુની ઠગાઈ કરનારી કુખ્યાત જામતારા ગેંગના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પોલીસને તેની જ ઇન્સ્ટાગ્રામ રીલ કામે લાગી હતી. મુખ્ય સૂત્રધાર આરોપી મોહમ્મદ સરફરાઝ 9 ધોરણ નાપાસ છે. છતાં તેની સાબર ક્રાઈમમાં માસ્ટરી જોતા સાયબર નિષ્ણાતો પણ ગોથે ચડી ગયા હતા.

આ બનાવની વિગત એવી હતી કે, ગત તા. 27 ઓગસ્ટ, 2025ના રોજ સુરતના એક સિનિયર સિટીઝન નાગરિકના વ્હોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી RTO ઇ-ચલણ ભરવા માટેની એક લિંક આવી હતી. સાચા ઇ-ચલણ જેવી જ લાગતી આ લિંકમાં એક APK ફાઇલ હતી. ફરિયાદીએ જેવી આ ફાઇલ ડાઉનલોડ કરી અને તેમાં જણાવેલી પ્રોસેસ કરી, કે તરત જ તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો. હેકર્સે ફોનનો સંપૂર્ણ એક્સેસ મેળવી લીધો અને ગણતરીની મિનિટોમાં જ બેંક OTP મેળવીને તેમના ખાતામાંથી 2,45,000 ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા નાગરિકે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો અને તા. 1 સપ્ટેમ્બર 2025ના રોજ સાયબર ક્રાઇમ સેલ ખાતે વિધિવત ફરિયાદ નોંધાવી. સુરત સાયબર સેલના DCP બિશાખા જૈને આ કેસની ગંભીરતા જોઈને તાત્કાલિક એક ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી.
સુરત સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મની ટ્રેઇલની તપાસ કરતાં જાણવા મળ્યું કે, ઠગાઈના નાણાં કોલકાતાના કેટલાક યુવકોના બેંક ખાતામાં જમા થયા હતા. સુરત સાયબર સેલની એક ટીમે તાત્કાલિક કોલકાતા ખાતે ધામા નાખ્યા અને ત્યાંથી (1) લઈક નફીઝ અને (2) મો. અસલમ ઉર્ફે ગુડ્ડુ નામના બે શખ્સોને ઝડપી પાડ્યા. આ બંનેની પૂછપરછમાં જ ઝારખંડના જામતારા અને દેવઘર જિલ્લામાં બેઠેલા મુખ્ય સૂત્રધાર મોહમ્મદ સરફરાઝનું નામ ખુલ્યું.
સુરત સાયબર સેલની ટીમે ઝારખંડમાં 10 દિવસ સુધી ધામા નાખ્યા, એક ઓપરેશન નિષ્ફળ પણ ગયું, છતાં હાર માન્યા વિના ફિલ્મી ઢબે રાત્રિના 1:30 વાગ્યે બીજું ઓપરેશન પાર પાડીને મુખ્ય આરોપી સહિત ત્રણને દબોચી લેવામાં આવ્યા. આ કેસની તપાસમાં આરોપીઓની કામ કરવાની ‘થ્રી-લેયર’ પદ્ધતિ અને અભણ હોવા છતાં ‘પ્રોફેશનલ ક્રિમિનલ’ જેવી સાતિર બુદ્ધિ જોઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.
સાયબર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના કહેવા મુજબ રીલમાં બાઈકનો ફોટો જોઈ વધુ વિગતો મેળવી સાયબર પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે મુખ્ય આરોપી સરફરાઝનું લોકેશન ટ્રેસ કર્યું. ટીમ જ્યારે તેના ઘર સુધી પહોંચી, ત્યારે આરોપી એટલો શાતિર હતો કે તેને પોલીસની ગંધ આવી ગઈ. પોલીસ પહોંચે તે પહેલા જ તેણે પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો અને તેમાં રહેલો તમામ ડેટા નષ્ટ કરી દીધો. પોલીસના હાથે માત્ર ખાલી ઘર અને બંધ મોબાઈલ લાગ્યો.ત્યારે ટીમે હાર માનવાને બદલે આરોપીની ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ ફેંદવાનું શરૂ કર્યું. પોલીસે સરફરાઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસવાનું શરૂ કર્યું. આ નવી માહિતીના આધારે, સુરત સાયબર સેલે સ્થાનિક ઝારખંડ પોલીસની મદદ લીધી. એક ચોક્કસ પ્લાનિંગ સાથે, રાત્રિના 1:30 વાગ્યે આરોપીના પત્નીના પિયરના ઘર પર દરોડો પાડવામાં આવ્યો. આરોપી અને તેનો પરિવાર ગાઢ નિંદ્રામાં હતો ત્યારે જ પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને મુખ્ય સૂત્રધાર (1) મો. સરફરાઝ (ઉ.વ.24), અને તેના બે સાગરીતો (2) રિયાઝ અંસારી (ઉ.વ.22) અને (3) શહાઝાદ અંસારી (ઉ.વ.20) ને દબોચી લીધા હતા.


