ભાવનગર, 11 જાન્યુઆરી 2026: શહેરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ ડીવાયએસપી રીમાબા ઝાલા સામે આક્ષેપ કરતો વિડિયો બનાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઈન્સ્ટ્રાગ્રામ સહિત સોશિયલ મીડિયામાં રિલ બનાવીને જાણીતી થયેલી નયના બારૈયા થોડા સમય પૂર્વે ભાવનગરના ભરતનગર પોલીસ મથકે ફરજ બજાવતી હતી. તે દરમિયાન આરોપીને આશરો આપવાના કેસમાં ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ હાલમાં જામીન પર બહાર આવેલી નયના બારૈયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી.
સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ ડીવાયએસપી રીમાબા ઝાલા પર ગંભીર આક્ષેપ કરતો વીડિયો બનાવી આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચ્યો છે. નયનાએ આક્ષેપ કર્યો છે કે મહિલા ડીવાયએસપીએ મારું ઘર વેરવિખેર કરી નાખ્યું છે. મારી જ્યારે ધરપકડ થઈ ત્યારે કોઈ મહિલા પોલીસ નહોતી અને મને 350 કીમી સુધી વોશરૂમ ના જવા દીધી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ગેસ્ટહાઉસમાં બની હતી. દવા પીધા બાદ તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક બોટાદની હરિઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
આ ઘટના બાદ નયના બારૈયાના ભાઈએ જણાવ્યું કે ડીવાયએસપી રીમા ઝાલા તેમની બહેનને હેરાન પરેશાન કરતા હતા, જેના કારણે તેમની બહેને દવા પી લીધી. તેમણે DYSP વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માગ કરી છે.


