1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરની સ્કૂલમાં વિદ્યાર્થિનીને લાફો મારવાના કેસમાં શિક્ષિકાને 3 વર્ષની કેદ
ગાંધીનગરની સ્કૂલમાં વિદ્યાર્થિનીને લાફો મારવાના કેસમાં શિક્ષિકાને 3 વર્ષની કેદ

ગાંધીનગરની સ્કૂલમાં વિદ્યાર્થિનીને લાફો મારવાના કેસમાં શિક્ષિકાને 3 વર્ષની કેદ

0
Social Share

ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2026:  ગાંધીનગરના દેહગામમાં આવેલી એક સ્કૂલની 14 વર્ષની વિદ્યાર્થિનીને હોમવર્ક ન લાવતા શિક્ષિકા પારૂલબેન રજનીકાંત પટેલે લાફો માર્યો હતો, આથી વિદ્યાર્થિનીને ડાબા કાનમાં ગંભીર ઈજા થતાં બહેરાશની તકલીફ થઈ હતી. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી, તેનો કેસ ચાલી જતા આરોપી શિક્ષિકા પારૂલબેન રજનીકાંત પટેલને ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973ની કલમ 248(2) હેઠળ દોષિત ઠેરવી ગાંધીનગરની સીજેઆઈ કોર્ટે 3 વર્ષ અને 3 મહિનાની સાદી સજા ફટકારી છે જ્યારે JJAની કલમ 75 હેઠળ 1 વર્ષની સજાનો આદેશ કરવામાં આવ્યો છે, આ ઉપરાંત 25,000-25,000 રૂપિયાનો સાદો દંડ પણ ફટકાર્યો છે.

આ કેસની વિગત એવી હતી કે, ગાંધીનગરના દહેગામ તાલુકાના લેકવાડા ગામના રમેશભાઈની 14 વર્ષીય દીકરી કન્યા વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. 1 જાન્યુઆરી, 2020ના રોજ સ્કૂલમાં વિજ્ઞાનના પિરિયડ દરમિયાન શિક્ષિકા પારૂલબેન પટેલે હોમવર્ક વિશે પૂછપરછ કરી હતી. જોકે બાળકીએ હોમવર્ક નથી કર્યું તેમ કહેતા જ શિક્ષિકા ઉશ્કેરાઈ ગયા હતા. અને શિક્ષિકાએ બાળકીને ડાબા કાન પર જોરદાર લાફો ઝીંકી દીધો હતો, જેથી બાળકી દર્દથી કણસતી હતી અને કાન પર હાથ રાખ્યો હતો. આ છતાં શિક્ષિકાનો ગુસ્સો શાંત થયો નહોતો અને તેમણે બાળકીનો હાથ હટાવી બીજો લાફો મારીને વર્ગખંડની બહાર ઊભા રહેવાની સજા આપી હતી. ત્યારે વિજ્ઞાનના બે પિરિયડ સુધી બાળકી રઝળપાટ કરતી રહી હતી. બાળકી અસહ્ય પીડા સાથે બે પિરિયડ સુધી ક્લાસની બહાર ઉભી રહેવાથી બેભાન જેવી થઈ ગઈ હતી. આ દરમિયાન સ્કૂલના આચાર્ય ત્યાંથી પસાર થયા હતા. ત્યારે બાળકીએ પિતાને ફોન કરવા વિનંતી કરી હોવા છતાં આચાર્યએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને તેને પીડાતી હાલતમાં છોડી દીધી હતી. સ્કૂલ છૂટ્યા બાદ જ્યારે પિતા તેને હોસ્પિટલ લઈ ગયા ત્યારે નિદાન થયું કે, મારને કારણે બાળકીના કાનના પડદામાં કાણું પડી ગયું છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થિનીના પિતાએ હિંમત દાખવી દહેગામ પોલીસ સ્ટેશનમાં જુવેનાઈલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ ગાંધીનગરના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલ્યો હતો, જેમાં સરકારી વકીલની દલીલો અને તબીબી પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે નોંધ્યું કે શિક્ષકનું કાર્ય બાળકોનું ઘડતર કરવાનું છે, તેમને શારીરિક અપંગતા તરફ ધકેલવાનું નહીં. કોર્ટે આરોપી શિક્ષિકા પારૂલબેન રજનીકાંત પટેલને (રહે. આણંદ) દોષિત ઠેરવી ત્રણ વર્ષની કેદ અને 25 હજારનો દંડ ભોગવવાનો હુકમ કરી અન્ય સ્કૂલો અને શિક્ષકો માટે એક દાખલો બેસાડ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code